કાર્યવાહી@ભરુચ: GIDCમાં ભ્રષ્ટાચાર, સરકારે એકસાથે 30થી વધુ અધિકારીઓની બદલી કરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સરકારે એકસાથે ત્રીસથી વધુ અધિકારીઓની બદલી કરવી પડી છે. આ અધિકારીઓએ કોઈ એવું પાસું બાકી રાખ્યું નથી જ્યાં ભ્રષ્ટાચાર કરવાનો બાકી રહી ગયો હોય.રાજ્ય સરકારે કરેલી 30 બદલીમાં GIDCના ત્રણ D.C.A.O., 6 G.A.O અને 8 રિજિયોનલ મેનેજર સહિતના ઉચ્ચ અધિકારીઓની ટ્રાન્સફર કરવામાં આવી છે. ભ્રષ્ટાચારીઓની સામે સરકારે લાંબા સમય પછી કાર્યવાહી કરી છે.
આ ઉપરાંત ડેપ્યુટી ચીફ એકાઉન્ટ ઓફિસર ચિરાગ માલવીયા, સિનિયર એકાઉન્ટ ઓફિસર જયમીન દેસાઈ, ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટ ઓફિસર સેતલ પટેલ, એકાઉન્ટ ઓફિસર જનક શાહ, આસિસ્ટન્ટ મેનેજર પલકીન પંડ્યાની બદલી કરાઈ છે. વાત અહીં અટકતી નથી રિજિયોનલ મેનેજર કક્ષાના અશ્વિન ગોસાઈ, પંકજ આચાર્ય, હિમાંશુ જોશી, કલ્પેશ રાઠવા, ધર્મેન્દ્ર પાનેલિયા, કુલદીપસિંહ સોલંકી, વિકાસચંદ્ર પટેલ, દર્શન ઠક્કર, સુરેશ રાણા, રાકેશ પટેલ, દિનેશ પરમાર, જગદીશ ખોરાબા, પ્રાર્થી દવે, વિકાસચંદ્ર પટેલ, રિધીન શાહ અને ગઢવીની પણ બદલી કરવામાં આવી છે. આ તો સરકારની નજર પડી હોય અને તેમની સામે પુરાવા મળ્યાં હોય તેવા ભ્રષ્ટાચારીઓ છે.
આ ભ્રષ્ટાચારીઓએ GIDCમાં પ્લોટની ફાળવણીમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરીને સરકારી તિજોરીને જંગી ફટકો માર્યો હોવાનું કહેવાય છે. ગુજરાત કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ ભરૂચ GIDCમાં કરોડોના ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અહીં ભ્રષ્ટ અધિકારીઓએ કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને સરકારી તિજોરીને રૂ. 1,500 કરોડથી પણ વધુ રકમનો ફટકો માર્યો છે.શક્તિસિંહ ગોહેલે યોજેલી પત્રકાર પરિષદમાં જણાવાયું હતું કે દહેજ GIDCમાં સરકાર પ્રતિ ચોરસ મીટર 10 હજાર રૂપિયાનો ભાવ મેળવી શકે છે ત્યાં ફક્ત રૂ. 2,845 પ્રતિ ચોરસ મીટરના ભાવે પ્લોટ ફાળવી દેવાયા છે. આ નિયત ભાવ કરતાં ત્રણ ગણા ઓછા ભાવે પ્લોટ ફાળવી દેવાયા છે. હવે સરકારી અધિકારીઓ કંઈ એવા તો દાનેશ્વરી છે નહીં કે કોઈ કંપની પર આ પ્રકારની કૃપા કરે. વહીવટ વગર તો આ પ્રકારનો નીચો ભાવ તો શક્ય ન જ બને. આ અધિકારીઓએ બેફામ ભ્રષ્ટાચાર કરતાં રીતસરનો સરકારી તિજોરીને મોટો ફટકો માર્યો છે.
આ અધિકારીઓએ રીતસરનો જાણે છૂટો દોર મળી ગયો હોય તે પ્રકારે બેફામ લૂંટ જ ચલાવતા હોય તે રીતે ભ્રષ્ટાચાર કર્યો છે.GIDCએ 24 એપ્રિલ 2023ના રોજ સાયખા GIDCમાં 20 હજારથી 50 હજાર ચોરસ મીટરના પ્લોટની ફાળવણી માટે અરજી મંગાવી. તેના પછી 10 જુન 2023ના રોજ બધી જ અરજી નકારી કાઢવામાં આવી. તેના પછી કોઈપણ કારણ આપ્યા વગર સાયખા GIDCને સેચ્યુરેટેડ જાહેર કરવામાં આવી. સામાન્ય રીતે કોઈપણ GIDC વિસ્તારને સેચ્યુરેટેડ જાહેર કરવામાં આવે ત્યારે તેનું અર્થઘટન એવું થાય કે હવે જૂજ પ્લોટ બાકી છે, આ પ્લોટની રાજ્ય હરાજી કરશે જેથી રાજ્યને વધારે આવક થાય.8 ફેબ્રુઆરી 2024ના રોજ GIDCના સેચ્યુરેટેડ કરવાના નિર્ણયને બદલે અનસેચ્યુરેટેડ જાહેર કરવામાં આવી. અગાઉ ક્યારેય GIDCના ઇતિહાસમાં આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી. તેથી આ પ્રકારે પહેલી વખત સેચ્યુરેટેડ થયેલી GIDCને અનસેચ્યુરેટેડ જાહેર કરવામાં આવી. આમ GIDC અનસેચ્યુરેટેડ થાય એટલે સરકારે પછી તેનું વેચાણ જંત્રીના ભાવ મુજબ કરવું પડે, તેના કારણે તેને હરાજીમાં મળતો ભાવ ગુમાવવો પડે અને તેથી તેને ખોટ થાય. અહીં રીતસર આમ જ કરવામાં આવ્યું હતું. હવે GIDCમાં પ્રતિ ચોરસ મીટર 2,845 રૂપિયા અને 3,075ના ભાવે પ્લોટની ફાળવણી કરી દેવામાં આવી. હવે ક્યાં પ્રતિ ચોરસ મીટર દસ હજારનો ભાવ અને ક્યાં પ્રતિ ચોરસ મીટર ત્રણ હજાર રૂપિયાનો ભાવ. સરકારી તિજોરીને આના કારણે રૂ. 1,500 કરોડનો ફટકો પડ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.