કાર્યવાહી@ભરૂચ: મગદાળની આડમાં વિદેશી દારૂની હેરાફેરી, 50 લાખના મુદ્દામાલ સાથે 4 ઝડપાયા

 
કાર્યવાહી

મગ દાળની આડમાં સંતાડેલ વિદેશી દારૂની ૨૬૧૧ નંગ બોટલ મળી આવી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભરૂચ હાઇવે ઉપર નબીપુરની પરવાના હોટલ સામેથી રોડની બાજુમાંથી મગદાળની આડમાં વિદેશી દારૂનો જથ્થો કટિંગ થાય તે પહેલા એલસીબીએ દરોડા પાડી ટ્રક ચાલક સહીત ચાર ઈસમોને ૫૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. એલસીબીનો સ્ટાફ નબીપુર પોલીસ મથકની હદમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે વડોદરા-ભરૂચ નેશનલ હાઇવે ઉપર નબીપુર પાસે આવેલ પરવાના હોટલની બાજુમાં રોડની સાઈટમાં રાજસ્થાન પાર્સીંગની ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે અને હાલ કટિંગની પ્રવૃત્તિ ચાલી રહી છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે ટ્રકમાં તપાસ કરતા તેમાં રહેલ મગ દાળની આડમાં સંતાડેલ વિદેશી દારૂની ૨૬૧૧ નંગ બોટલ મળી આવી છે.

પોલીસે ૩.૫૯ લાખનો દારૂ અને ૧૫ લાખની ટ્રક તેમજ ઇક્કો કાર, છોટા હાથી મળી કુલ ૫૦ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જોધપુરના નીનાકપુરા ભવાદ ખાતે રહેતો ટ્રક ચાલક મહીરામ બાબુરામ બિશ્નોઈ,દીપક જંયતી પ્રજાપતિ અને દીપક હેમંત વસાવા તેમજ અક્ષય સંજય પાટણવાડિયાને ઝડપી પાડ્યો હતો જયારે વિદેશી દારૂનો જથ્થો મોકલનાર બાબુરામ ચૌધરી સહીત અન્ય બે બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધારવામાં આવી છે.