કાર્યવાહી@ભરૂચ: માધ્યમિક શાળાનો ઈન્ચાર્જ આચાર્ય રૂ.31,000ની લાંચ લેતા ઝડપાયો

 
કાર્યવાહી
લાંચ ફરિયાદી આપવા માંગતા ન હોય ACBનો સંપર્ક કર્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભરૂચના ઝઘડિયા તાલુકાના સરસાડની માધ્યમિક શાળાનો ઈન્ચાર્જ આચાર્ય રૂ.31,000 ની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો. આ કેસની વિગત મુજબ ફરિયાદી પોતે ઈકો ગાડી ફેરવવાનું કામ કરે છે. બીજી તરફ ભરૂચના ઝઘડિયા તાલુકાના સરસાડની માધ્યમિક શાળાના ઈન્ચાર્જ આચાર્ય કલ્પેશકુમાર બચુભાઈ પટેલે તેમની શાળાના બાળકોને લાવવા લઈ જવા માટે 'શાળા પરિવહન યોજના' હેઠળ ગાડી ફેરવવા માટે ફરિયાદીને રાખ્યા હતા.

આ યોજના હેઠળ પાસ કરવાના થતા બીલો માંથી એક મહિનાના બિલના ₹3,000 લેખે કમિશન પેટે આપવાનું જણાવ્યું હતું. જેમાં ફરિયાદીના ચાલુ વર્ષના ત્રણ મહિનાના રૂ.9,000 તેમજ અન્ય એક સાહેદના સને 2024 ના મારુતિ વાનના રૂપિયા 13,000 અને સને 2025 ના ત્રણ મહિનાના રૂ. 9,000 એમ કુલ રૂપિયા 31,000 ની ફરિયાદી પાસે લાંચની માગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોય ACBનો સંપર્ક કર્યો હતો. જેમાં ACBની ટીમે સરસાડ સરકારી માધ્યમિક શાળાના કંપાઉન્ડમાં જાળ બિછાવીને રૂ.31,000ની લાંચ લેતા ઈન્ચાર્જ આચાર્ય કલ્પેશ પટેલને ઝડપી લીધો હતો.