કાર્યવાહી@ભાવનગર: ગેરકાયદેસર ખનીજ ચોરીનો કારોબાર, તંત્ર દ્વારા 25 લાખનો મુદ્દામાલ જપ્ત

 
કાર્યવાહી

1 જેસીબી મશીન અને 3 ટ્રેક્ટરને સિઝ કર્યા

​​​​​​અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભાવનગર જિલ્લામાં તંત્ર દ્વારા બાતમીના આધારે તળાજા પંથકમાં રેડ કરીને રંગે હાથ વાહનોને ઝડપી લઇને સીઝ કરવાની કાર્યવાહીએ હાથ ધરી હતી.ભાવનગર ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનન પ્રવૃત્તિ અંગે માહિતી મળતા તળાજા પંથકના ઊંચડી ગામની સીમમાં રેડ કરવામાં આવી હોવાનું ભૂસ્તર શાસ્ત્રી બી એમ જાળોંધરા એ જણાવ્યું હતું.

તેઓએ ઉમેર્યું હતું કે, ઊંચડી ગામે ગેરકાયદેસર માટી ખનીજ ખોદકામની પ્રવૃત્તિ થતી હોવાની ફરિયાદ અન્વયે ભૂસ્તરશાસ્ત્રી કચેરીની તપાસ ટીમ દ્વારા ઊંચડી ગામના સીમ વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન આ વિસ્તારમાંથી 1 જેસીબી મશીન અને 3 ટ્રેક્ટર દ્વારા માટી ખનિજનું ખોદકામ/વહન કરતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જે માટી ખોદકામ કરવા માટેની કોઇપણ પ્રકારની મંજૂરી લીધેલ ન હોવાથી 1 જેસીબી મશીન અને 3 ટ્રેક્ટરને સિઝ કરી કુલ 25 લાખનો મુદ્દામાલ દાઠા પોલીસ સ્ટેશન ખાતે અટક રાખવામાં આવીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.