કાર્યવાહી@ભાવનગર: ગેસચોરી કરી ત્રણના પાંચ બાટલા કરવાનું કૌભાંડ, 4 શખ્સ ઝડપાયા

 
કૌભાંડ

ભાવનગર એસઓજીની ટીમને બાતમી મળી હતી.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભાવનગરમાં ગેસચોરી કરી ત્રણના પાંચ બાટલા કરવાનું કૌભાંડ છતું થયું છે. શહેરના ચિત્રા-સિદસર રોડ પર આવેલી બજરંગબાલક સોસાયટીના ખુલ્લા પ્લોટમાં ગેરરીતિ આચરવામાં આવી રહી હતી. ત્યારે એસઓજીએ છાપો મારી ચાર શખ્સને બે લાખથી વધુની માલમત્તા સાથે દબોચી લીધા હતા. જ્યારે પ્લોટમાલિક નાસી છૂટયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ચિત્રા-સિદસર રોડ પર આવેલી બજરંગબાલક સોસાયટીમાં જગા વાડીવાળા નામના શખ્સના ખુલ્લા પ્લોટમાં રાંધણગેસના ભરેલા બાટલામાંથી ખાલી સિલિન્ડરમાં ગેસ ભરી ત્રણના પાંચ બાટલા કરી ગ્રાહકોને ઓછા વજનવાળા બાટલા આપવામાં આવી રહ્યા હોવાની ભાવનગર એસઓજીની ટીમને બાતમી મળી હતી.

વધુમાં ગેસ એજન્સીએ ગ્રાહકોને ઘરે પહોંચાડવા આપેલા ગેસ સિલન્ડરમાંથી ચારેય શખ્સ ગેસનું કટિંગ કરવા માટે જગા નામના શખ્સને તેની જગ્યાના ઉપયોગ કરવા બદલ રૂપિયા આપી તેના પ્લોટમાં લઈ જઈ સિલિન્ડરનું પ્લાસ્ટિકનું સીલ તોડી ભુંગળી વડે બાટલા સામ-સામે રાખી એક બાટલામાંથી બીજા બાટલામાં ગેસ ભરતા હોવાનું પોલીસ પૂછતાછમાં બહાર આવ્યું હતું. જેના આધારે એસઓજીએ એઝાદ કુરેશી, સોયબ શેખ, સાઝીદ ચૌહાણ, જાહિદ રાઠોડ અને ફરાર થઈ ગયેલા જગા નામના શખ્સ સામે બોરતળાવ પોલીસ મથકમાં જરૂરી ચીજવસ્તુઓનો અધિનિયમની કલમ ૩, ૭ મુજબ ગુનો નોંધાવ્યો હતો.