કાર્યવાહી@ભુજ: હાજી ઈબ્રાહિમ બેટના દરિયાકાંઠાના વિસ્તારમાંથી રૂ.5 કરોડનું ચરસ કબ્જે કરાયું
5 કરોડની કિંમતના ચરસના 10 પેકેટ બિનવારસી મળી આવ્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કચ્છના દરિયાકાંઠેથી ચરસ જેવા નશીલા પદાર્થોનો જથ્થો પકડાવાનો સીલસીલો હજુ યથાવત્ છે. કચ્છના સીમાવર્તી દરિયા કાંઠે તેમજ બેટ પર બીએસએફના પેટ્રોલિંગ દરમિયાન બેટના દરિયા કાંઠાના વિસ્તારમાંથી રૂ. 5 કરોડની કિંમતના ચરસના 10 પેકેટ બિનવારસી મળી આવ્યા હતા. બીએસએફ દ્વારા ખાતાકીય નોંધ કર્યા પછી ચરસના જથ્થાને પૃથક્કરણ માટે પોલીસને સોંપવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, બીએસએફની પેટ્રોલિંગ પાર્ટીને સરહદીય હાજી ઈબ્રાહિમ બેટના દરિયા કાંઠાના વિસ્તારમાંથી વધુ રૂ.5 કરોડની કિંમતના ચરસના 10 પેકેટ બિનવારસી મળી આવ્યા હતા. જેથી બીએસએફ દ્વારા તે અંગેની ખાતાકીય નોંધ કર્યા પછી ચરસના પેકેટોના પૃથક્કરણ માટે જખૌ પોલીસને સોંપી દેવામાં આવ્યા હતા. બીએસએફ દ્વારા ગત જૂન મહિનામાં અલગ અલગ દરિયા કાંઠાના વિસ્તારો, ટાપુઓ અને નિર્જન સ્થળો પરથી ચરસના 192 પેકેટો કબજે કરવામાં આવ્યા હતા.