કાર્યવાહી@બોટાદ: કુખ્યાત આરોપીને VIP સુવિધા આપતા બે કોન્સ્ટેબલ સસ્પેન્ડ, જાણો વધુ
પોલીસ વિભાગમાં ચકચાર મચી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
બોટાદ જિલ્લામાં પોલીસ જાપ્તામાં રહેલા એક કુખ્યાત આરોપીને VIP સુવિધા આપવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો સામે આવતા પોલીસ તંત્રએ કડક પગલાં લીધાં છે. જિલ્લા પોલીસ વડાએ બે કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે. આ કાર્યવાહી બાદ પોલીસ વિભાગમાં પણ ચકચાર મચી ગઈ છે. કોન્સ્ટેબલ જયપાલ ચાવડા અને અશોક મકવાણા આરોપીને કોર્ટની મુદતે મહુવા લઈ જવાના હતા. નિયમ મુજબ આરોપીને સરકારી પોલીસ વાહનમાં લઈ જવાની પ્રક્રિયા હોવા છતાં બંને કોન્સ્ટેબલોએ આરોપીને ખાનગી ગાડીમાં લઈ ગયા હોવાના આક્ષેપો સામે આવ્યા છે.
આ ઘટનાને ગંભીર બેદરકારી તેમજ શિસ્તભંગ તરીકે જોવામાં આવી રહી છે. આ સમગ્ર મામલામાં વધુ એક ચોંકાવનારી બાબત સામે આવી છે. આરોપ છે કે બંને કોન્સ્ટેબલોએ આરોપીને તેના ઘરે પણ લઈ ગયા હતા. આ બાબત તપાસમાં સાચી સાબિત થશે તો તે પોલીસ મેન્યુઅલ અને કસ્ટડી સંબંધિત નિયમોનું ગંભીર ઉલ્લંઘન ગણાશે. ઘટનાની જાણ થતા જ બોટાદ જિલ્લા પોલીસ વડાએ સમગ્ર મામલે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા. પ્રાથમિક તપાસમાં ફરજ દરમિયાન બેદરકારી અને નિયમોનો ભંગ થયાનો પ્રાથમિક આધાર મળતા બંને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

