કાર્યવાહી@દાહોદ: ચાકલીયા પોલીસ મથકના 3 પોલીસકર્મી દારૂની હેરાફેરી કરતા ઝડપાતા પોલીસ બેડામાં ખળભળાટ

 
કાર્યવાહી
પોલીસનો કાફલો જોઈ જતાં દારૂ ભરેલી ગાડી મૂકીને કર્મચારીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દાહોદ જિલ્લાના ચાકલીયા પોલીસ મથકના 3 પોલીસકર્મી જ દારૂની હેરાફેરી કરતા ઝડપાતા પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે. પોલીસ દ્વારા પોતાના જ સાથી કર્મચારીઓ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ચાકલીયા, ઝાલોદ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ જ્યારે સંયુક્ત પેટ્રોલિંગમાં હતો, ત્યારે તેમને ખાનગી બાતમી મળી હતી કે પોલીસકર્મીઓ જ દારૂ ભરેલી ગાડીનું પાયલોટિંગ કરી રહ્યા છે.

આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ અર્જુન ભુરીયા અને પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ હઠીલા કારમાં આગળ ચાલીને રસ્તો ક્લિયર કરી રહ્યો હતો. તેની પાછળ હેડ કોન્સ્ટેબલ મોહન તાવીયાડની ગાડી આવી રહી હતી, જેમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો હતો. સામેથી પોલીસનો કાફલો જોઈ જતાં દારૂ ભરેલી ગાડી મૂકીને પાયલોટિંગ કરી રહેલા કર્મચારીઓ પોતાની ગાડી લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.ચાકલીયા પોલીસે બિનવારસી હાલતમાં મુકાયેલી કારની તપાસ કરતા 66,646 રૂપિયાનો વિદેશી દારૂ અને કાર મળી કુલ 5,66,646 રૂપિયાનો મુદામાલ ઝડપી પાડ્યો પોલીસ વિભાગે શિસ્તના ભંગ બદલ અને ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ થવા બદલ હેડ કોન્સ્ટેબલ અર્જુન ભુરીયા, પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ હઠીલા અને હેડ કોન્સ્ટેબલ મોહન તાવીયાડ સામે ગુનો નોંધી તેમની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.