કાર્યવાહી@દાહોદ:ACBની ટ્રેપમાં વધું એક લાંચિયા અધિકારીનો પર્દાફાશ, જન્મનો દાખલો કઢાવવા માંગી લાંચ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચીલાકોટા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા એક કોમ્યુટર ઓપરેટરને એન્ટી કરપ્શન બ્યુરોએ લાંચ લેતા રંગેહાથ ઝડપી પડ્યા છે. દિનેશ સોલંકી નામનો ઓપરેટર રૂપિયા 1000 ની લાંચ લેતા પકડાયો છે. મળતી માહિતી અનુસાર, એક ફરિયાદીએ પોતાના જન્મનો દાખલો કઢાવવા માટે અરજી કરી હતી. આ દાખલો કઢાવી આપવાના બદલામાં દિનેશ સોલંકીએ ફરિયાદી પાસેથી કુલ રૂપિયા 1200 ની લાંચની માંગણી કરી હતી.
જ્યારે ફરિયાદીએ આટલી મોટી રકમ આપવાનો ઇનકાર કર્યો ત્યારે ઓપરેટરે ફોર્મ ભરવાના બહાને રૂપિયા 1000 ની લાંચ માંગી હતી.આ બાબતની જાણ ફરિયાદીએ ACB ને કરતા છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ છટકામાં દિનેશ સોલંકી ફરિયાદી પાસેથી રૂપિયા 1000 ની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી ગયો હતો. ACB એ તેની ધરપકડ કરીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ ગ્રામ પંચાયત કક્ષોએ થતા ભ્રષ્ટાચારને ફરી એકવાર ઉજાગર કર્યો છે.