કાર્યવાહી@દાહોદ: વીજચોરીના કરોડો રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ, 600 જેટલા શંકાસ્પદ મીટરો ઝડપાયા

 
વિજચોરી
પકડાયેલા તમામ વીજચોરો સામે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દાહોદમાં MGVCLની વિજિલન્સ ટીમે છેલ્લા એક મહિના ઉપરાંત સમયથી વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ અને તપાસ હાથ ધરી હતી. આ ખાસ ઝુંબેશમાં વીજ ચોરીના કરોડો રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. MGVCL ના કહ્યા મુજબ, સમગ્ર જિલ્લામાં 15 કરોડ રૂપિયા ઉપરાંતની વીજ ચોરી સામે આવી છે. વિજિલન્સ ટીમે વિવિધ પદ્ધતિઓ દ્વારા થઈ રહેલી ગેરકાયદે વીજળીના વપરાશને પકડવા માટે અલગ-અલગ જગ્યાએ અચાનક દરોડા પાડ્યા હતા, જેના કારણે વીજ ચોરી કરનારાઓમાં ફફડાટ ફેલાયો હતો.

આ વીજ ચોરીના કેસમાં માત્ર સામાન્ય ગ્રાહકો જ નહીં, પરંતુ સમાજના પ્રતિષ્ઠિત ગણાતા લોકો પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે. MGVCL ની તપાસમાં વેપારીઓ, તબીબો અને કોર્પોરેટરોનો પણ વીજ ચોરીમાં સમાવેશ થતો હોવાનું બહાર આવ્યું છે. આ મોટા માથાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. MGVCL ની ટીમે દાહોદ અને લીમડી વિસ્તારમાં 400 થી વધુ, ઝાલોદમાં 60 અને લીમખેડામાં 25થી વધુ સહિત કુલ 600 જેટલા શંકાસ્પદ વીજમીટરો પકડી પાડ્યા છે. આ તમામ મીટરોમાં ગેરરીતિ પકડાતા વીજ ચોરીની ચોક્કસ રકમનો આંકડો 15 કરોડને પાર કરી ગયો છે.વીજ ચોરી એ માત્ર કંપનીનું જ નહીં, પણ સમગ્ર રાજ્યનું આર્થિક નુકસાન છે. આ ગંભીર ગુના બદલ MGVCL દ્વારા પકડાયેલા તમામ વીજચોરો સામે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. કંપની દ્વારા તમામ વીજચોરો વિરુદ્ધ પોલીસમાં એફઆઇઆર (FIR) નોંધાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.