કાર્યવાહી@દાહોદ: SBI બેંકની બે શાખામાં કરોડોનું કૌભાંડ, કુલ 18 લોકોની ધરપકડ

 
કાર્યવાહી
શહેર સહિત જિલ્લાભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દેશની સૌથી પ્રતિષ્ઠિત અને સુરક્ષિત ગણાતી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાંથી લોન કૌભાંડ સામે આવ્યું છે. જેમાં સ્ટેટ બેંકની બે અલગ અલગ બ્રાન્ચમાં એજન્ટોએ અગાઉના બેંક મેનેજર સાથે મળી બોગસ પગાર સ્લીપ તેમજ બનાવટી દસ્તાવેજોના આધારે બેંકના તમામ નીતિ નિયમોને નેવી મૂકી અધધ કહી શકાય તેટલું 5.50 કરોડની લોન આપી છેતરપિંડી કર્યા હોવાનું બેંકની ઓડિટ રિપોર્ટમાં સામે આવ્યું છે.આ મામલે બેંક મેનેજર દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે હાલ બેંક મેનેજર એજન્ટો સહિત 30 જેટલા લોકો સામે નામજોગ ગુના દાખલ કરી બંને બ્રાન્ચના મેનેજર, બે એજન્ટો તેમજ લોનધારકો મળી કુલ 18 લોકોની ધરપકડ કરતા દાહોદ શહેર સહિત જિલ્લાભરમાં ખળભળાટ મચ્યો છે.

દાહોદમાં એક પછી એક કૌભાંડ સામે આવતા હાહાકાર મચી જવા પામ્યો છે. જેમાં 2021 થી 2024 ના સમયગાળા દરમિયાન sbi ની મેઈન બ્રાન્ચના મેનેજર ગ્રુમીતસિંહ પ્રેમસિંગ બેદીએ સંજય ડામોર તેમજ ફઇમ શેખ સાથે ગેરકાયદેસર રૂપિયા બનાવ્યા હતા. પોતાની સત્તાનો દુરુપયોગ કરી, બેંકના નિયમોને નેવે મૂકી રેલવેમાં વર્ગ 4 માં નોકરી કરતા રેલવે કર્મચારીઓને કમિશન ઉપર તેમની પગાર ઓછી હોવા છતાંય બનાવટી પગાર સ્લીપમાં પગાર વધારે બતાવી હતી.કુલ 19 લોકોને 4.75 કરોડની લોન આપી દીધી હતી.

તેવી જ રીતે GLK ટાવરમાં ચાલતી SBI ની બીજી બ્રાન્ચ બ્રાન્ચેના મેનેજર મનીષ વામનરાવ ગવળેએ બંને એજન્ટો સાથે મળી 10 જેટલા વ્યક્તિઓના બનાવટી દસ્તાવેજો, પગાર સ્લીપ, બનાવી તેમને ઓન પેપર જીએસઆરટીસીના કર્મચારી તેમજ શિક્ષકો બતાવી 82.72 લાખ રૂપિયાની લોન આપી દીધી. આ આ લોન ગોટાળામાં બેંક મેનેજરે બંને એજન્ટો સાથે મળી બેંકના નિયમોને નેવે મૂકી લોન આપી દીધી હોવાનું સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.પોલીસ દ્વારા પકડાયેલા સંજય ડામોર અને ફઈમ શેખ બેંકની બહાર એજન્ટ તરીકે લોન લેવા આવનાર વ્યક્તિઓની શોધમાં રહેતા હતા. તેમની પગાર સ્લીપ અપડેટ કરાવી મોટી લોન અપાવવાની બાંહેધારી આપતા હતા. અને લોન મંજુર થયા બાદ લોન લેનાર વ્યક્તિ પાસેથી કમિશન પેટે પૈસા લેતા હતા. જેમાં એક ભાગ બેંક મેનેજર સુધી પહોંચાડવામાં આવતો હતો. બંને એજન્ટો બેન્ક મેનેજર સાથે મળી આ લોન કૌભાંડ આચરી રહ્યા હતા.