કાર્યવાહી@દહેગામ: બહીયલમાં ચાલતા કતલખાનાનો પર્દાફાશ, છરા સહિત 80 હજારનો મુદ્દામાલ કબજે

 
કાર્યવાહી

150 કિલો જેટલા ગૌમાંસનો જથ્થો પણ મળી આવ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દહેગામના બહીયલમાં ઘરમાં ચાલતા કતલખાનાનો પર્દાફાશ થયો છે. આ કતલખાનામાં ગૌવંશની કતલ કરવામાં આવતી હતી. દરોડા દરમિયાન કતલખાનું ચલાવતો ઇસમ સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો.સ્થળ પરથી એક મૃત વાછરડુ અર્ધ કપાયેલી હાલતમાં મળી આવ્યુ હતુ તેમજ અન્ય છ વાછરડાને જીવતા બચાવી લેવામાં આવ્યા હતા. કતલ કરવા માટે વપરાતા છરા તથા ફ્રીજ સહિત 80 હજારનો મુદ્દામાલ કબજે કરાયો હતો.જ્યારે અહિ સંગ્રહ કરાયેલા 150 કિલો જેટલા ગૌમાંસનો જથ્થો પણ મળી આવ્યો હતો. 

દહેગામ પોલીસને માહિતી મળી હતી કે બહીયલના ખાડામાં રહેણાંક વિસ્તારમાં રહેતો તાલીબ રસુલ સિપાઇ પોતાના રહેણાંક મકાનમાં કેટલાક મળતીયાઓ સાથે મળીને ગેરકાયદેસર રીતે ગોૈવંશની કતલ કરે છે. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર રેડ કરી હતી. જેથી પોલીસે આ ઇસમના ઘરની ઓસરીમાં જઇને જોયુ તો એક વંજન કાંટો તથા વાછરડુ અર્ધ કાપેલી હાલતમાં મળી આવ્યુ હતુ. કતલ કરેલા વાછરડા ઉપરાંત ઘરની આગળ બાંધેલા અન્ય છ જીવતા વાછરડાને બચાવી લેવામાં આવ્યા હતા. આ વાછરડાઓને દહેગામ પાંજરાપોળ ખાતે મોકલવામાં આવ્યા હતા. સ્થળ પરથી લાકડાનો ડબ્બો તથા છરીઓ સહીતનો મુદ્દામાલ મળ્યો હતો. મકાન ના પાછળના ભાગમાં તપાસ કરતા રુમમાંથી માંસ ભરેલુ એક પ્લાસ્ટીકનુ પોટલુ મળી આવ્યુ હતુ.

150 કિલો માંસનો જથ્થો કબજે કરીને તેને બહીયલના ગૌચરમાં જેસીબીથી ખાડો કરીને વિધિસર રીતે નીકાલ કરાયો હતો. પોલીસે જીવતા વાછરડા સહીત 80 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ગેરકાયદેસરનું કતલખાનુ ચલાવતો ફરાર આરોપી તાલીબ રસુલ સિપાઇ વિરુધ્ધ પશુઓ પ્રત્યે કૃરતા પ્રતિબંધ અધિનયમ સહીતનો ગુનો નોંધીને ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાથી જીવદયા પ્રેમીઓમાં રોષ ફાટી નિકળ્યો છે.