કાર્યવાહી@દિલ્હી: લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતું મોટું કૌભાંડ, નકલી ટૂથપેસ્ટ ફેક્ટરીનો પર્દાફાશ!

 
કૌભાંડ
સેન્સોડાઈન બ્રાન્ડના નામે ચાલતું રેકેટ

​​અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ખંઝાવલા વિસ્તારમાં દરોડા પાડીને નકલી ટૂથપેસ્ટ બનાવતી એક વિશાળ ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. તેમાં પ્રખ્યાત બ્રાન્ડ સેન્સોડાઈનના નામે નકલી અને હલકી ગુણવત્તાની ટૂથપેસ્ટ તૈયાર કરી બજારમાં વેચવામાં આવતી હતી. પોલીસને 2 એપ્રિલના રોજ ગુપ્ત બાતમી મળી હતી કે મહાવીર વિહાર વિસ્તારમાં એક ભાડાના ગોડાઉનમાં ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી છે. બાતમીના આધારે જ્યારે ક્રાઈમ બ્રાન્ચે ઓપરેશન હાથ ધર્યું ત્યારે અંદરનું દ્રશ્ય જોઈને અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા.

ગોડાઉનમાં અદ્યતન પેકિંગ મશીનો અને મિશ્રણ તૈયાર કરવાના સાધનો ગોઠવાયેલા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ફેક્ટરીનો સંચાલક હરિઓમ મિશ્રા આ આખા નેટવર્કનો માસ્ટરમાઈન્ડ હતો, જેની ઘટનાસ્થળેથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દરોડા વખતે ફેક્ટરીમાં અડધો ડઝન જેટલા મજૂરો હાજર હતા, જેઓ મશીનની મદદથી ખાલી ટ્યુબમાં હલકી ગુણવત્તાનું પેસ્ટ ભરી રહ્યા હતા. આ નકલી ટ્યુબ પર હૂબહૂ અસલી સેન્સોડાઈન જેવું જ પેકિંગ અને લોગો લગાવવામાં આવતો હતો, જેથી સામાન્ય ગ્રાહક છેતરાઈ જાય. પોલીસે ત્યાંથી હજારોની સંખ્યામાં ખાલી ટ્યુબ, તૈયાર પેકિંગ મટીરીયલ અને મોટી માત્રામાં કેમિકલયુક્ત નકલી પેસ્ટ જપ્ત કર્યું છે.

આરોપી હરિઓમ મિશ્રાએ પૂછપરછમાં કબૂલાત કરી છે કે તે ઓછા ખર્ચે નકલી માલ તૈયાર કરીને બજારમાં અસલીના ભાવે વેચતો હતો. આવી નકલી ટૂથપેસ્ટમાં વપરાતા જોખમી કેમિકલ્સ મોઢાના કેન્સર કે પેઢાની ગંભીર બીમારીઓ નોતરી શકે છે. દિલ્હી પોલીસે આ મામલે વધુ તપાસ તેજ કરી છે.