કાર્યવાહી@ધોલેરા: ગેરકાયદેસર ખનનનું મોટું કૌભાંડ ઝડપાયું, 2 કરોડના વાહનો અને મશીનરી જપ્ત
કાર્યવાહીથી ભૂમાફિયાઓમાં ફફડાટ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ધોલેરા તાલુકાના પીપળી ગામે ગુપ્ત બાતમીના આધારે દરોડા પાડીને ગેરકાયદેસર માટી ખનનનું મોટું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. આ કાર્યવાહીથી ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.દરોડા દરમિયાન ખનીજ વિભાગની ટીમે સ્થળ પરથી ગેરકાયદેસર માટી ખોદકામ કરતા 1 હિટાચી મશીન અને 3 ડમ્પર મળી કુલ 2 કરોડ રૂપિયા જેવો માતબર મુદ્દામાલ જપ્ત કર્યો છે.આ તમામ વાહનોને સીઝ કરીને કાયદેસરની કાર્યવાહી માટે ધોલેરા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા છે.
ખનીજ વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, માત્ર વાહનો સીઝ કરવાથી કાર્યવાહી અટકશે નહીં. હવે ટેકનિકલ ટીમ દ્વારા ખોદકામ કરવામાં આવેલા સ્થળની ચોક્કસ માપણી કરવામાં આવશે. કેટલી માટી ગેરકાયદેસર રીતે ઉલેચવામાં આવી છે તેના આધારે ભૂમાફિયાઓને લાખો રૂપિયાનો મસમોટો દંડ ફટકારવામાં આવશેઅમદાવાદ ગ્રામ્યના બાવળા, ધોળકા, સાણંદ, ધોલેરા અને દસકોઈ તાલુકાઓમાં મોટા પાયે ગેરકાયદેસર રેતી અને માટી ખનન થઈ રહ્યું હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ખનીજ વિભાગ તો કાર્યવાહી કરે છે, પરંતુ સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે સ્થાનિક પોલીસની નાક નીચે આટલા મોટા પાયે મશીનો ચાલે છે છતાં પોલીસ કેમ અજાણ છે? શું સ્થાનિક પોલીસ અને ભૂમાફિયાઓ વચ્ચે કોઈ છુપી મિલીભગત છે?

