કાર્યવાહી@ગાંધીનગર: રતનપુરમાં 190 કરોડનું જમીન કૌભાંડ, સબ રજીસ્ટ્રાર સહિત છ સામે ફરિયાદ

 
જમીન

દસ્તાવેજમાં માત્ર બે કરોડની કિંમત દર્શાવવામાં આવી છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગિફ્ટસીટી પાસે આવેલા રતનપુરમાં 190 કરોડનું જમીન કૌભાંડ સામે આવ્યુ છે. આ મામલે ખેડૂતે આ જમીનનો વેચાણ દસ્તાવેજ કરી આપનાર સબ રજીસ્ટ્રાર સહિત છ શખસો સામે ડભોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.જમીન કૌભાંડ આચરનાર શખસોએ આ માટે ખેડૂતના નામની ખોટી પાવર ઓફ એટર્ની અને ખોટી સહિઓ દ્વારા ઉપરોક્ત કૌભાંડ આચર્યુ છે. પ્રાથમિક દ્રષ્ટિએ જ પાવર ઓફ એટર્ની અને રજુ કરેલા અન્ય દસ્તાવેજોમાં અનેક ભુલો હોવા છતા સબ રજિસ્ટ્રારે ઉપરોક્ત દસ્તાવેજ કરી આપતા તેની પણ આ કૌભાંડમાં ભુમિકા બહાર આવી છે.

190 કરોડની 18 વિઘા જમીનનો જંત્રીનો ભાવ જ 13 કરોડ જેટલો થવા જાય છે જ્યારે વેચાણ દસ્તાવેજમાં માત્ર બે કરોડની કિંમત દર્શાવવામાં આવી છે. આ મામલે ખેડૂત પ્રભુદાસ જેસંગભાઇ પટેલે ડભોડા પોલીસ મથકમાં જમીન વેચાણ રાખનાર કૌશિક સવજી વઘાસિયા (રહે. ગિરીરાજ હોમ્સ, નિકોલ), તથા તેમાં સાક્ષી તરીકે સહિઓ કરનાર બાબુ દેવરાજ કાકડિયા (રહે. રાધિકા પેલેસ, ઠક્કરનગર, અમદાવાદ), ભાવેશ શાંતિલાલ ડોબરિયા (રહે. દાનેવ પાર્ક નિકોલ), જયદિપ રણછોડભાઇ ઝાલાવાડિયા (રહે. પંચરત્ન એવન્યુ, નિકોલ), અશોક જેરામ ગજેરા (રહે. મવડી ચોકડી, રાજકોટ) તથા દસ્તાવેજ કરી આપનાર સબ રજિસ્ટ્રાર વિષ્ણુ એચ. દેસાઇ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પ્રભુદાસે વર્ષ 2007ના વર્ષમાં ઉપરોક્ત જમીન વેચાણ દસ્તાવેજથી ખરીદ કરી હતી.

ખેતીની જમીનના પાવરની નોટરી આઇ.એમ. શેખના ચોપડેનોંધાઇ હતી. જોકે, તપાસ દરમિયાન આઇ.એમ.શેખની નોટરી તરીકે નોંધણી જ થઇ નહતી. ઉપરોક્ત પાવરના આધારે કૌશિક વઘાસિયાના નામે દસ્તાવેજ કરવામાં આવ્યો હતો. જેમાં અન્ય આરોપીઓએ સહિઓ કરી હતી. દસ્તાવેજની તપાસ કરતા તેમાં 18 વિઘા જમીનની કિંમત બે કરોડ દર્શાવેલી હતી. જ્યારે હકિકતમાં આ જમીનની માર્કેટ વેલ્યુ 190 કરોડ અને જંત્રી પ્રમાણે તેની કિંમત 13 કરોડ જેટલી થતી હતી. ઉપરોક્ત શખસોએ પાવર ઓફ એટર્ની બાબતે દસ્તાવેજ સમયે ખેડૂતની હયાતી બાબતનું ખોટુ સોગંદનામું કરવામાં આવ્યુ હતું.