કાર્યવાહી@ગાંધીનગર: આંતરરાષ્ટ્રિય સાયબર ક્રાઇમના એક મોટા નેટવર્કનો પર્દાફાશ, 6 આરોપીઓની ધરપકડ

 
કૌભાંડ

જુદા-જુદા રાજ્યોમાંથી અંદાજે 200 કરોડ રૂપિયાની સાયબર ઠગાઈ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાત સ્થિત સાયબર સેન્ટર ઑફ એક્સલન્સ, ગાંધીનગર દ્વારા એક ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. પોલીસે આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રિય સાયબર ક્રાઇમના ગુનાઓ આચરતા એક મોટા નેટવર્કના 6 આરોપીઓની ધરપકડ કરી છે. આ ગેંગે દેશના જુદા-જુદા રાજ્યોમાંથી અંદાજે 200 કરોડ રૂપિયાની સાયબર ઠગાઈ કરી હતી, જેમાં કુલ 386 કેસને અંજામ આપવામાં આવ્યો હતો.પોલીસે આરોપીઓને મોરબી, સુરત અને સાવરકુંડલા ખાતેથી દબોચી લીધા છે.

પોલીસે પકડેલા આરોપીઓ મહેન્દ્ર સોલંકી, રૂપેન ભાટીયા (મોરબી), રાકેશ લાણીયા, રાકેશકુમાર દેકાવાડીયા (સુરેન્દ્રનગર), વિજય ખાંભલ્યા અને પંકજ કથિરીયા (સુરત) પાસેથી 12 મોબાઈલ ફોન અને 100થી વધુ બેંક એકાઉન્ટની વિગતો મળી છે.પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગની મોડસ ઓપરેન્ડી હતી. તેઓ ભારતમાં છેતરપિંડી કર્યા બાદ નાણાંનો નિકાલ કરવા માટે દુબઈમાં બેઠેલા સાયબર ક્રાઇમ સિન્ડિકેટ સાથે જોડાયેલા હતા. આરોપીઓ અલગ-અલગ બેંકોમાં 'મ્યુલ એકાઉન્ટ' ખોલાવતા હતા.

આ ખાતાઓમાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકો પાસેથી છેતરાયેલા નાણાં જમા થતા હતા. જમા થયેલા નાણાંનું ચેક વિડ્રોલ, ATM વિડ્રોલ, ઓનલાઈન એપ્સ દ્વારા રોકડમાં અથવા ક્રિપ્ટો કરંસીમાં ઝડપથી રૂપાંતર કરવામાં આવતું હતું.આ નાણાંને આંગડિયા અથવા ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન મારફતે દુબઈમાં બેઠેલા સિન્ડિકેટના આરોપીઓને મોકલી આપીને તેઓ પોતાનું કમિશન મેળવતા હતા. આ ગેંગે પોતાના આર્થિક લાભ માટે લખતર એ.પી.એમ.સી.માં પેઢી રજિસ્ટર કરીને દુકાનની આડમાં આ ગુનાહિત પ્રવૃત્તિ ચલાવી હતી.આ સિન્ડિકેટ દ્વારા જુદી-જુદી 9 પ્રકારની મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.