કાર્યવાહી@ગાંધીનગર: ક્લાસ-1 અધિકારી 5 લાખની મસમોટી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા, કુલ ₹2.64 કરોડનો મુદ્દામાલ જપ્ત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગાંધીનગરમાં ઉર્જા વિભાગ હેઠળ કાર્યરત વિદ્યુત નિરીક્ષણ કચેરીના ક્લાસ-વન અધિકારી અશ્વિન બી. ચૌધરીને રૂ.5 લાખની મસમોટી લાંચ લેતા રંગેહાથ દબોચી લેવામાં આવ્યા છે. એસીબીના આ સફળ છટકા બાદ જ્યારે અધિકારીના અલગ-અલગ લોકેશન પર દરોડા પાડવામાં આવ્યા, ત્યારે ત્યાંથી મળેલી બેનામી સંપત્તિ જોઈને ખુદ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.
એક અરજદારે સોલાર પેનલ લગાવવા માટે જરૂરી એનઓસી મેળવવાનું હતું. આ સત્તાવાર મંજૂરી આપવાના અવેજમાં મુખ્ય વિદ્યુત નિરીક્ષક અશ્વિન ચૌધરીએ રૂ.5 લાખની ગેરકાયદેસર માંગણી કરી હતી. અરજદાર લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે એસીબીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે એસીબીએ વોચ ગોઠવીને ક્લાસ-વન ઓફિસરને લાંચની રોકડ રકમ સ્વીકારતા જ ઝડપી લીધા હતા.
આ રૂ.5 લાખની લાંચની રકમ અધિકારીની લક્ઝરી કારમાંથી જ મળી આવી હતી.ધરપકડ બાદ એસીબીની અલગ-અલગ ટીમો દ્વારા આરોપી અધિકારીના ગાંધીનગર, અમદાવાદ અને સુરત સ્થિત રહેઠાણો પર એકસાથે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. તપાસનું મુખ્ય કેન્દ્ર સુરતના વી.આઈ.પી. રોડ પર વેસુ વિસ્તારમાં આવેલી પોશ સોસાયટી 'શિલ્પ રેસિડેન્સી' નું મકાન નંબર બી-405 રહ્યું હતું. અધિકારીના ઘર અને વાહનોના ખૂણે-ખૂણેથી એસીબીને કરોડો રૂપિયાની અપ્રમાણસર મિલકત મળી આવી છે.
તપાસ દરમિયાન જુદા-જુદા સ્થાનો પરથી કુલ રૂ.1 કરોડ 76 લાખ ની માત્ર રોકડા રૂપિયા જ મળી આવ્યા છે. અંદાજે રૂ.88 લાખ 82 હજાર ની કિંમતના કિંમતી સોના અને ચાંદીના દાગીના જપ્ત કરાયા છે. ઘરમાંથી રૂ.5 લાખ 51 હજાર ની કિંમતના રોકડ મૂલ્ય ધરાવતા ગિફ્ટ વાઉચર્સ પણ મળી આવ્યા છે. એસીબીએ આ દરોડા દરમિયાન લાંચિયા અધિકારી પાસેથી કુલ રૂ.2 કરોડ 64 લાખ ની અધધ મતા કબજે કરી છે. હાલમાં એસીબી દ્વારા અધિકારી વિરૂદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને તેમની અપ્રમાણસર મિલકતો અંગેની તપાસનો દોર વધુ તેજ કરવામાં આવ્યો છે.

