કાર્યવાહી@ગાંધીનગર: દિવાળીના હપ્તા પેટે રૂ.22,000ની હજારની લાંચ લેતો આઉટસોર્સ ઈન્સ્પેક્ટર ઝડપાયો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગાંધીનગર મહાનગરપાલિકામાંથી ભ્રષ્ટાચારનો વધુ એક ગંભીર મામલો સામે આવ્યો છે. મનપાની સીએનસીડી શાખામાં આઉટસોર્સ એજન્સી હેઠળ લાઈવ સ્ટોક ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતો એક કર્મચારી પશુપાલક પાસેથી 22 હજાર રૂપિયાની લાંચ લેતા એસીબીના છટકામાં રંગે હાથ ઝડપાઈ ગયો છે.તહેવારની મોસમમાં એસીબીની આ સફળ કાર્યવાહીથી મનપાના ભ્રષ્ટ વર્તુળોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
આ કેસના ફરિયાદી પશુપાલનનો વ્યવસાય કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જ્યારે પકડાયેલ આરોપી જયદીપસિંહ રામસિંહ રાજપૂત (ઉં.વ. 22) ગાંધીનગર મનપાની સીએનસીડી શાખા અંતર્ગત ઢોર પકડવાની કામગીરી કરતી ટીમમાં લાઈવ સ્ટોક ઈન્સ્પેક્ટર તરીકે નોકરી કરે છે. ફરિયાદીના પશુઓ પકડીને તેના પર નિયમોનુસારનો દંડાત્મક કેસ ન કરવા તેમજ આગામી દિવાળીના તહેવાર નિમિત્તે હપ્તા પેટે આરોપીએ શરૂઆતમાં રૂ. 40 હજારની મોટી લાંચની માંગણી કરી હતી. ફરીયાદી આટલી મોટી રકમ ચૂકવવા સક્ષમ ન હતા અને તેઓ કોઈપણ ભ્રષ્ટ કર્મચારીને લાંચ આપવા પણ માંગતા ન હતા. જેથી આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવા માટે તેમણે ગાંધીનગર એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી લેખિત ફરિયાદ નોંધાવી હતી.
પશુપાલકની આ ફરિયાદના આધારે એસીબીની ટીમે તાત્કાલિક ધોરણે એક સફળ ટ્રેપનું આયોજન કર્યું હતું.ગાંધીનગરના સેક્ટર-28 ખાતે આવેલા ગાર્ડનની પાછળના રોડ પર એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ દરમિયાન આરોપી જયદીપસિંહે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી અને અગાઉ નક્કી કર્યા મુજબ રૂ.22,000ની લાંચની રકમ સ્વીકારી હતી. લાંચની આ રકમ સ્વીકારતાની સાથે જ વોચમાં રહેલી એસીબીની ટીમે તેને રંગે હાથે ઝડપી લીધો હતો અને લાંચની રકમ પણ સફળતાપૂર્વક રિકવર કરી લીધી હતી.ગાંધીનગર એસીબીની આ કડક કાર્યવાહીથી મનપાના અન્ય ભ્રષ્ટ કર્મચારીઓમાં પણ મોટો ફફડાટ ફેલાઈ ગયો છે.

