કાર્યવાહી@ગાંધીનગર: જિલ્લા તિજોરી અધિકારીની કચેરીનો સેવક 20 હજારની લાંચ લેતા ઝડપાયો

 
લાંચ

હાલ જિલ્લામાં લાંચિયા અધિકારી કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગાંધીનગર જિલ્લાની સરકારી કચેરીઓમાં લાંચ લેવાની પ્રવૃત્તિ વધી રહી છે ત્યારે ગાંધીનગર જિલ્લા તિજોરી અધિકારી કચેરીનો સેવક ૨૦ હજાર રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો  છે. આ કચેરીમાં લાંચ લેવાતી હોવાની ફરિયાદને પગલે ગાંધીનગર એસીબી દ્વારા ડીકોય ગોઠવવામાં આવી હતી અને તેમાં તેમને સફળતા પણ મળી છે. સરકારી કચેરીઓમાં લાંચ આપ્યા વગર કોઈ કામ થતા નથી અને એસીબી દ્વારા આવા લાંચિયા અધિકારી-કર્મચારીઓને પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવે છે તેમ છતાં આવા અધિકારીઓ લાંચ લેતા ડરતા નથી.

ગાંધીનગર એસીબીને માહિતી મળી હતી કે, ગાંધીનગર જિલ્લા તિજોરી અધિકારીની કચેરીમાં જિલ્લાની અલગ અલગ સરકારી કચેરીઓમાંથી આવતા પગાર બિલો , કન્ટીજન બીલો , ઉચ્ચતર , એરિયસ બિલો , ફીક્સ ટુ ફુલ પે જેવા બીલોમાં ૩ , ૦૦૦ થી લઈને ૫૦૦૦ રૃપિયાની લાંચ લેવામાં આવી રહી છે.જેના પગલે ગાંધીનગર એકમના મદદનીશ નિયામક એ.કે પરમારની સુચનને પગલે ગાંધીનગર એસીબી દ્વારા ડીકોય કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને જે અંતર્ગત આ કચેરીના પટાવાળા ઐયુબભાઈ સુબામિયા ઝાલોરીને ફૂલ પેના ચાર જેટલા બિલો મંજૂર કરવા માટે કહેવાયું હતું.

જે માટે અયુબભાઈ દ્વારા એક બીલના ૫૦૦૦ લેખે ૨૦ હજાર રૂપિયાની માંગણી કરવામાં આવી હતી આ સંદર્ભે ડીકોય દ્વારા તેમની સાથે વાતચીત કરવામાં આવી હતી અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં આ સેવક અયુબભાઈ દ્વારા ૨૦,૦૦૦ રૃપિયાની લાંચ લેવામાં આવી તે દરમિયાન એસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ચાવડા અને તેમની ટીમ પહોંચી હતી અને સેવકને લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો હતો. જેના પગલે હાલ જિલ્લામાં લાંચિયા અધિકારી કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.