કાર્યવાહી@ગીરસોમનાથ: ગીર અભયારણ્ય નજીક તંત્રનો સપાટો, નિયમભંગ બદલ 20 રિસોર્ટ સીલ

 
કાર્યવાહી
221 એકમો સામે કાયદેસરની કડક કાર્યવાહી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગીર અભયારણ્યની આસપાસના 10 કિલોમીટરની ત્રિજ્યા ધરાવતા ઇકો-સેન્સિટિવ વિસ્તારમાં ધમધમતા ગેરકાયદેસર હોસ્પિટાલિટી યુનિટો સામે જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના સીધા સુપરવિઝન હેઠળ એક વ્યાપક મેગા ઝુંબેશ ચલાવવામાં આવી છે.વન વિભાગ અને મહેસૂલ વિભાગની સંયુક્ત ટીમો બનાવીને હાથ ધરવામાં આવેલી આ ધડાધડ તપાસ પ્રક્રિયા દરમિયાન નિયમોનો સ્પષ્ટ ભંગ કરનારા 20 જેટલા લક્ઝુરિયસ રિસોર્ટ અને ફાર્મ હાઉસને સ્થળ પર જ સીધા સીલ કરી દેવામાં આવ્યા છે. જેને પગલે સમગ્ર વિસ્તારમાં ગેરકાયદેસર વાણિજ્યિક પ્રવૃત્તિઓ ચલાવતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

સંયુક્ત ટીમો દ્વારા ગીર વિસ્તારના સરહદી 143 ગામોમાં પથરાયેલા કુલ 308 જેટલા હોસ્પિટાલિટી એકમોની ઊંડાણપૂર્વક સઘન તપાસ કરવામાં આવી હતી. આ તપાસણીના અંતે સરકારી શરતભંગ અને પર્યાવરણીય નિયમોનું ઉલ્લંઘન કરનારા કુલ 221 એકમો સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ કાર્યવાહીના ભાગરૂપે ગેરકાયદેસર રીતે વાણિજ્યિક પ્રવૃત્તિઓ ચલાવતા 54 યુનિટ્સમાં કમર્શિયલ કામકાજ તાત્કાલિક અસરથી બંધ કરવા માટે કડક હુકમો જારી કરવામાં આવ્યા છે.

વિવિધ સ્તરે શરતભંગ જણાઈ આવેલા 191 જેટલા હોસ્પિટાલિટી એકમોને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે અને તંત્ર દ્વારા સંબંધિત માલિકો સામે રૂબરૂ સુનાવણીની પ્રક્રિયા પણ ઝડપથી શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાએ આ સમગ્ર મામલે સ્પષ્ટ અને આકરો સંદેશ આપતાં જણાવ્યું છે કે, ગીરની પવિત્ર ગોદમાં કે અભયારણ્યની 10 કિલોમીટરની ત્રિજ્યામાં પર્યાવરણ અને સિંહોની સુરક્ષાના ભોગે કોઈપણ પ્રકારનો ગેરકાયદે ધંધો કે નિયમવિરુદ્ધની પ્રવૃત્તિ ચલાવી લેવામાં આવશે નહીં.