કાર્યવાહી@ગોંડલ: માર્કેટ યાર્ડમાંથી 30 કટ્ટા ચાઈનીઝ લસણ મળી આવતા ચકચાર, પ્રતિબંધિત લસણ ક્યાંથી આવ્યું?

 
લસણ
દેશમાં અંદાજે વર્ષ 2006 થી ચાઈનાં લસણ પર પ્રતિબંધ છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગોંડલનાં અગ્રિમ ગણાતા માર્કેટ યાર્ડમાં કોઈ ખેડૂત દ્વારા પ્રતિબંધિત ચીનનાં લસણનાં 30 જેટલા કટ્ટા ઘૂસી આવ્યા હતા. ‘ચાઈના લસણ’નાં 30 કટ્ટા છાપરા નં- 10માં ઉતારવામાં આવ્યા હતા. વેપારીની નજરે ચીનનાં લસણનાં કટ્ટા ચડતા યાર્ડનાં ચેરમેનને રજૂઆત કરી હતી.માર્કેટિંગ યાર્ડનાં ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે, સમગ્ર ભારત અને ગુજરાતમાં લસણનો મોટો વેપાર ગોંડલ માર્કેટિંગ યાર્ડનો છે. લસણનાં વેપારીઓને યાર્ડનાં છાપરા નં-10 નીચે ચીનનાં લસણનાં 30 કટ્ટા અંદાજે 600 થી 700 કિલો લસણ નજરે આવ્યા હતા અમને જાણ કરતા સ્થળ પર દોડી આવ્યા હતા અને આ લસણ ક્યાંથી આવ્યું છે ? કોણે મંગાવ્યું છે ? તેની તપાસ ચાલુ છે.

આ ચીનનું લસણ અહીં એટલા માટે પ્રતિબંધ છે કારણ કે ગોંડલ માર્કેટિંગ યાર્ડ અહીંનાં ખેડૂતોનું યાર્ડ છે. આવું લસણ બહારથી આવવા લાગે તો અહીંનાં ખેડૂતોને મસમોટું નુકસાન થાય. ગોંડલ માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોને નુકસાન જાય તેવું ક્યારેય ચલાવી લેવામાં નહિ આવે એટલા માટે ચાઈના લસણનો 30 કટ્ટાનો માલ યાર્ડનાં ગોડાઉનમાં જપ્ત કરવામાં આવ્યો છે.વધુમાં યાર્ડનાં ચેરમેને જણાવ્યું હતું કે, ભારત દેશમાં અંદાજે વર્ષ 2006 થી ચાઈનાં લસણ પર પ્રતિબંધ છે. ચાઈનાં લસણ કયાંથી આવ્યું ? અને કેવી રીતે આવ્યું ? તેને લઈને અમે રાજ્ય સરકારમાં મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને કૃષિમંત્રીને ઈમેલ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.કેન્દ્ર સરકારમાં પણ રજૂઆત કરી છે. જેટલા લોકો આ કામ સાથે જોડાયેલા હોય તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ તેવું જણાવ્યું હતું.રાજ્ય સરકારને આ બાબતે જાણ કરી છે.