કાર્યવાહી@ગુજરાત: ભરૂચ, શેરપુરા અને કંથારીયા ગામમાં આકસ્મિક દરોડા, ₹47 લાખની વીજચોરી પકડાઈ
મીટર બાયપાસ કરી ગેરરીતિ આચરાતી હોવાનું ઝડપાઈ ગયું હતું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભરૂચ સિટી, શેરપુરા અને કંથારીયા ગામે લાંબા સમય બાદ વીજ તંત્રે ત્રાટકી 4 કલાક હાથ ધરેલી તપાસમાં 2000 જોડાણો પૈકી 42 માંથી રૂપિયા 47 લાખની વીજ ચોરી પકડી પાડી હતી.તહેવારો ટાણે લાંબા સમય બાદ ભરૂચમાં વીજ ચેકીંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી.ઊંચા પાવર ટ્રાન્સમિશન લોસ સામે બિલિંગ ઓછું આવતું હોય આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા હતા.
ગુજરાત ઉર્જા વિકાસ નિગમ, સુરત DGVCL અને ભરૂચ સર્કલની 65 ટીમોએ બંદોબસ્ત સાથે સવારે 6 કલાકથી વીજ જોડાણોની ચકાસણી શરૂ કરી હતી. વીજ દરોડાને વીજ ચોરી કરતા તત્વો ઊંઘતા જ ઝડપાઇ ગયા હતા. ભરૂચ સિટીમાં પાંચબતીથી લઈ પશ્ચિમ ભરૂચની સોસાયટીઓ, શેરપુરા અને કંથારીયા ગામમાં 2000 થી વધુ કનેક્શન ચેક કરાયા હતા.વીજ તંત્રના 4 કલાક સુધી ચાલેલા દરોડામાં મીટર બાયપાસ કરી ગેરરીતિ આચરાતી હોવાનું ઝડપાઈ ગયું હતું. જેમાં 42 જોડાણ ધારકો ₹47 લાખની વીજ ચોરી કરતા પકડાઈ ગયા હતા.