કાર્યવાહી@ગુજરાત: ચાઈનીઝ દોરીના ગેરકાયદે કારોબાર સામે સૌથી મોટું ઓપરેશન, રૂ.2.50 કરોડનો મુદ્દામાલ જપ્ત

 
કૌભાંડ
રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં 100થી વધુ ડિસ્ટ્રિબ્યુટર્સ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ઉત્તરાયણ પહેલા અમદાવાદ ગ્રામ્ય પોલીસે સેલવાસમાં ધમધમતી એક ચાઇનીઝ દોરીની ફેક્ટરી પર દરોડો પાડી પોલીસે અઢી કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે, ગુજરાતમાં પ્રતિબંધ હોવાથી આરોપીએ સેલવાસને પોતાનું મેન્યુફેક્ચરિંગ હબ બનાવ્યું હતું. એસ.પી. ઓમપ્રકાશ જાટના જણાવ્યા અનુસાર, પોલીસે વાપીથી વિરેન પટેલ નામના શખસની ધરપકડ કરી છે. વિરેન પટેલ મૂળ રાજકોટના ગોંડલના મોવિયા ગામનો વતની છે અને તેણે MBA સુધીનો અભ્યાસ કર્યો છે. વર્ષ 2011માં તેણે વાપીમાં ટેક્સટાઇલ ફેક્ટરી શરૂ કરી હતી, પરંતુ ચાઈનીઝ દોરીમાં મળતા મંગી નફાને કારણે તેણે 2022માં સેલવાસમાં 'નોવાફીલ' નામની કંપની શરૂ કરી.

સેલવાસમાં ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ ન હોવાનો લાભ લઈ તે ફિશિંગ નેટ અને બ્રશ બનાવવાની આડમાં ઉત્તરાયણના 5 મહિના પહેલાથી જ દોરીનું ઉત્પાદન શરૂ કરી દેતો હતો. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે વિરેન પટેલે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને દિલ્હીમાં પણ પોતાની સપ્લાય ચેઈન બનાવી હતી. રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં 100થી વધુ ડિસ્ટ્રિબ્યુટર્સ વિરેન પાસેથી માલ ખરીદતા હતા. પોલીસે આ તમામની યાદી તૈયાર કરી છે અને સંબંધિત જિલ્લા પોલીસને કાર્યવાહી કરવા જાણ કરી છે. પોલીસે ફેક્ટરીમાંથી દોઢ કરોડની દોરી, મશીનરી સહિત કુલ 2.50 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાણંદ, બાવળા અને બગોદરા જેવા વિસ્તારોમાં નોંધાયેલા ગુનાઓની કડી મેળવતા પોલીસ છેક સેલવાસ સુધી પહોંચી હતી.

ચાલુ વર્ષે અમદાવાદ ગ્રામ્ય પોલીસે વિશેષ અત્યાર સુધીમાં કુલ 3 કરોડ રૂપિયાની કિંમતની 53 હજારથી વધુ ચાઈનીઝ દોરીની રીલ જપ્ત કરી છે.ફિશિંગ નેટના નામે કાચો માલ લાવી તેમાંથી અત્યંત જોખમી દોરી બનાવવામાં આવતી. તેને ફિશિંગ નેટની દોરી તરીકે દર્શાવીને ટેક્સની ચોરી સાથે ટ્રાન્સપોર્ટ કરવામાં આવતી. ઉત્તરાયણની માંગને પહોંચી વળવા તે ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનાથી જ સ્ટોક તૈયાર કરવાનું શરૂ કરી દેતો હતો. પોલીસને શંકા છે કે સેલવાસમાં વિરેનની અન્ય ફેક્ટરીઓ પણ હોઈ શકે છે.