કાર્યવાહી@ગુજરાત: ઈડરમાં ભાજપ નેતાના કોમ્પ્લેક્સમાંથી બોગસ ઇન્ટરનેશનલ કોલ સેન્ટરનો પર્દાફાશ, 10ની ધરપકડ

 
કાર્યવાહી
 20 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં બોગસ ઇન્ટરનેશનલ કોલ સેન્ટરનો પર્દાફાશ થયો છે. આ કોલ સેન્ટર બરવાવ રોડ પર આવેલા 'ગંગાજલ' કોમ્પ્લેક્સમાં છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહ્યું હતું, જે ભાજપના પૂર્વ જિલ્લા ઉપપ્રમુખ મુકેશ સોલંકીનું છે.સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે ગુપ્ત માહિતીના આધારે દરોડા પાડ્યા હતા, જેમાં 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 11 આરોપીઓ ફરાર છે.ધરપકડ કરાયેલા તમામ આરોપીઓ અમદાવાદના રહેવાસી છે, અને મુખ્ય આરોપી ગુલામગોશ ઉર્ફે રાઈડર સાબિરભાઈ કુરેશી સહિત અન્યની શોધખોળ ચાલુ છે.

આ કોલ સેન્ટરને ઓનલાઈન ક્લાસિસના નામે રજિસ્ટર કરવામાં આવ્યું હતું, પરંતુ તેમાં વિદેશમાં રહેતા લોકોને સસ્તી લોન આપવાની લાલચ આપીને છેતરપિંડી કરવામાં આવતી હતી. આરોપીઓ વિદેશીઓ પાસેથી ડોલરમાં રકમ વસૂલતા અને તેને ભારતીય કરન્સીમાં કન્વર્ટ કરીને કરોડો રૂપિયાની ઠગાઈ કરતા હતા. પોલીસે દરોડા દરમિયાન 40 મોબાઈલ ફોન, 12 લેપટોપ, 4 હાઈસ્પીડ રાઉટર, હેડફોન, ચાર્જર, કેબલ્સ, 8 ATM કાર્ડ અને એક મોંઘી કાર સહિત 20 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.આ કેસમાં ભારતીય દંડ સંહિતાની કલમ 316(2), 319(2), 318(4), 61 અને માહિતી ટેક્નોલોજી એક્ટની કલમ 66(C) અને 66(D) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે જપ્ત કરેલા ઇલેક્ટ્રોનિક ઉપકરણોની ફોરેન્સિક તપાસ કરવામાં આવશે અને આખા નેટવર્કને ઉજાગર કરવા માટે તપાસ તેજ કરી છે.