કાર્યવાહી@ગુજરાત: આ જિલ્લામાંથી કન્ટેનર ભરીને ચાઈનીઝ દોરી ઝડપાઈ, 2 વોન્ટેડ જાહેર, જાણો વિગતે
કુલ મુદ્દામાલ રૂ. 21.52 લાખનો જપ્ત કરવામાં આવ્યો છે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આકાશમાં પતંગ ચલાવવા માટે ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હોવા છતાં પણ મોટી સંખ્યામાં વેચાતી હોવાનું સામે આવ્યું છે. ગળું કાપી નાખતા ચાઈનીઝ માંજાના કન્ટેનર સાથે એક આરોપીને ડિંડોલી પોલીસે ધરપકડ કરી છે. પોલીસ દ્વારા પ્રમુખ પાર્ક બ્રિજ તરફથી આવી રહેલા આઇસર ટેમ્પોમાં મોટા જથ્થામાં ચાઈનીઝ માંજો ઝડપી પાડવામાં આવ્યું હતું. પોલીસે આઇસર કન્ટેનર ટ્રક સાથે કુલ રૂ. 21.52 લાખના મુદ્દામાલ સાથે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના જથ્થા સાથે એક આરોપી અટકાવ્યો છે.
આ કાર્યવાહી ઉત્તરાયણ તહેવાર પહેલા જાહેર સલામતી માટે હાથ ધરવામાં આવી હતી, જેમાં ચાઇનીઝ દોરીના ખતરાઓને ધ્યાનમાં રાખીને પોલીસ તત્પર રહી હતી. કન્ટેનર ટ્રક (નંબર GJ-23-AT-5695) માં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો ડિંડોલી સાંઇ પોઇન્ટ ચાર રસ્તા પર વહન કરવામાં આવી રહ્યો છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી અને ટ્રકમાંથી 60 બોક્સમાં ભરેલી કુલ 2,880 બોબીન દોરી સાથે ટ્રક જપ્ત કરી. આ ચાઇનીઝ દોરીની બજાર કિંમત રૂ. 11.52 લાખ છે, જ્યારે કન્ટેનર ટ્રકની કિંમત રૂ. 10 લાખ છે. કુલ મુદ્દામાલ રૂ. 21.52 લાખનો જપ્ત કરવામાં આવ્યો છે.
ટ્રક સાથે અનીલકુમાર શંકરલાલ મીણા નામના આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. ચાઇનીઝ દોરી નાના પક્ષીઓ, મનુષ્યો અને જીવજંતુઓ માટે જીવલેણ સાબિત થાય છે. આ દોરી નોન-બાયોડિગ્રેડેબલ હોવાથી પર્યાવરણને નુકસાન પહોંચાડે છે, તેમજ તેના પર કાચ, લોખંડ કે અન્ય ઘાતક તત્વો હોય છે, જે ઈજાઓનું કારણ બને છે. પોલીસ કમિશનર દ્વારા શાંતિપૂર્ણ ઉત્તરાયણ ઉજવણી માટે આવા દોરાના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.