કાર્યવાહી@ગુજરાત: ભચાઉ હાઇવે નજીકથી કોલસા ચોરીનું રેકેટ ઝડપાયું, 94.26 લાખના મુદ્દામાલ સાથે 5ની ધરપકડ

 
ખનીજચોરી

ખનન માફિયાઓને રૂ.75.24 કરોડનો દંડ ફટકાર્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અનેક જિલ્લાઓમાં બેફામ ખનીજ ચોરી ચાલી રહ્યાના અહેવાલો અનેકવાર સામે આવી ચુક્યા છે. તંત્ર સમયાંતરે ખનન માફિયાઓ વિરુદ્ધ ધોકો ઉગામી શિક્ષાત્મક પગલાંઓ પણ લેતી હોય છે. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સામખિયાળી-ભચાઉ હાઇવે નજીકથી આયાતી કોલસા ચોરીનું રેકેટ પકડી પાડી 94.93 લાખના મુદ્દામાલ સાથે પાંચ શખ્સોની ધરપકડ કરી છે. જ્યારે બીજી બાજુ ગીર સોમનાથ પંથકમાં લાઇમસ્ટોનની બેફામ ચોરી મામલે જિલ્લા કલેક્ટર અને ખાણ ખનીજ વિભાગે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી 14.93 લાખ મેટ્રિક ટન લાઇમ સ્ટોન ચોરી મામલે ખનન માફિયાઓને અધધધ રૂ.75.24 કરોડનો દંડ ફટકાર્યો છે.

સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા પાડવામાં આવેલ દરોડાની જો વાત કરવામાં આવે તો એસએમસી વડા નિર્લિપ્ત રાય અને ડીવાયએસપી કે ટી કામરીયાની સૂચનાને પગલે પીએસઆઈ એસ એચ ગઢવીની ટીમે કચ્છના સામખિયાળી-ભચાઉ હાઇવે નજીક આવેલ રાજ શક્તિ ક્ધસટ્રકશનના ખુલ્લા પ્લોટમાં દરોડો પાડ્યો હતો. ભચાઉ પોલીસનની હદમાં પાડવામાં આવેલ દરોડામાં એસએમસીએ રૂ. 22,75,000ની કિંમતનો 175 ટન આયાતી કોલસો, રૂ. 1.08 લાખની કિંમતનો 135 ટન બળી ગયેલો કોલસો, હિટાચી મશીન, લોડર, પાંચ મોબાઈલ અને રોકડ મળી રૂ. 94,26,370નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

એસએમસીએ કોલસા ચોરીના કૌભાંડમાં સુપરવાઇઝરની ભૂમિકા ભજવતા માયોદિન રસુલભાઈ ચૌહાણ (રહે. ભચાઉ), ટ્રક ડ્રાયવર લક્ષ્‍મણસિંહ નાથુસિંહ ચૌહાણ(રહે. રાજસ્થાન), હિટાચીનો ડ્રાયવર સંતોષ રામજનમ વિશ્વકર્મા (રહે. ભચાઉ મૂળ રહે ઝારખંડ), લોડરનો ડ્રાયવર(અશરફ અલીમામદ મુસ્લિમ કુંભાર (રહે. ભચાઉ) અને મજુર આમીન પીરુભાઈ જુણેજા(રહે. ભચાઉ) એમ પાંચ શખ્સોની ધરપકડ કરી છે. જયારે કોલસા ચોરીના મુખ્ય આરોપી દિવ્યરાજસિંહ હિતેન્દ્રસિંહ ઝાલાઝાલા (રહે. દરબારગઢ, ભચાઉ) અને કોલસાનો સપ્લાયર રાહુલ (રહે. ગાંધીધામ) એમ બે શખ્સોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.