કાર્યવાહી@ગુજરાત: દરિયા કિનારેથી ફરી એકવાર કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું

 
કાર્યવાહી
1800 કરોડ રૂપિયાના ડ્રગ્સ ભરેલી બોટ જપ્ત કરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતના દરિયાકાંઠેથી ફરી ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી 1800 કરોડ રૂપિયાના ડ્રગ્સ ભરેલી બોટ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતના પોરબંદરથી 190 કિલોમીટર દુર દરિયામાંથી 300 કિલો ડ્રગ્સ ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) અને ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડએ સંયુક્ત રીતે ઝડપી પાડ્યું છે. વિગતો મુજબ પાકિસ્તાની ડ્રગ્સ ભરેલી બોટ દરિયામાં આવી રહી હતી. તે દરમિયાન કોસ્ટ ગાર્ડની શીપને જોઈ પાક બોટ ચાલકો ડ્રગ્સને દરિયામાં ફેંકીને નાસી છૂટ્યા હતા.

આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમતના આધારે એક મોટી ડ્રગ જપ્તી કાર્યવાહી માનવામાં આવી રહી છે. દેશનો દરિયા કિનારો 7517 કિ.મી લાંબો છે. જેમાં પણ ગુજરાત પાસે 1640 કિ.મી લાંબો દરિયા કિનારો છે. કિનારા પર 144થી વધુ નાના-મોટા ટાપુ છે, સાથો સાથ પાકિસ્તાની દરિયાઇ સરહદ નજીક છે. ડ્રગ્સની હેરફેર પાકિસ્તાન અને ઇરાન કરે છે. પાકિસ્તાનનું કરાચી બંદર અને ઇરાનના ચાબહાર બંદરની ભૂમિકા મુખ્ય રહે છે. ભૌગોલિક રીતે ગુજરાતનો દરિયાકિનારો નજીક છે અને ગુજરાતનો ઉપયોગ અવર-જવર માટે કરવામાં આવે છે. ડ્રગ હેન્ડલર્સને અન્ય દેશની સીમામાં પહોંચાડવા પ્રયાસ કરે છે તેમજ ગુજરાતથી મુંબઇ સહિત દેશના અનેક રાજ્યમાં મોકલવામાં આવે છે. ડ્રગ્સ ગુજરાતમાં પણ ધનિકવર્ગમાં ડ્રગ્સની ખરીદીનું પ્રમાણ વધ્યું છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ જેવા શહેરોમાં MD ડ્રગ્સ અનેક વાર પકડાયું છે.