કાર્યવાહી@ગુજરાત: બનાવટી ચલણી નોટોના રેકેટનો પર્દાફાશ, એક શખ્સની ધરપકડ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભાવનગરમાં બનાવટી ચલણી નોટોના રેકેટનો પર્દાફાશ થયો છે. રૂ.200ની 343 બનાવટી નોટ સાથે એક શખ્સ ઝડપાયો છે. તથા LCB પોલીસે કુલ રૂ.55 હજાર 800નો મુદ્દામાલ ઝડપ્યો છે. બાતમીના આધારે તખ્તસિંહજી વિશ્રાંતિ ગૃહ સામે કાર્યવાહી કરાઇ છે. આરોપી બનાવટી નોટો બજારમાં વટાવે તે પહેલા ઝડપ્યો છે. તથા પોલીસે અજય ઉર્ફે ઘુઘા બુધેલીયા સામે કાર્યવાહી હાથ ધરી છે. તેમજ ચિંતન કનોજીયાને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી આ નકલી નોટો અમદાવાદના નારોલ વિસ્તારમાં રહેતા એક શખ્સ પાસેથી મેળવીને લાવ્યો હતો.
આરોપીની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, તે અસલી ચલણી નોટોની વચ્ચે આ નકલી નોટો ભેળવીને બજારમાં વટાવવાનો પ્લાન કરી રહ્યો હતો.ખાસ કરીને ભીડભાડ વાળી જગ્યાઓ અને નાના વેપારીઓ પાસે આ નોટો પધરાવી દેવાનો તેનો ઇરાદો હતો.LCB ની ટીમે નકલી નોટો અને અન્ય સામાન મળીને કુલ રૂ.55,800નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ નેટવર્કના તાર અમદાવાદ સુધી જોડાયેલા હોવાથી પોલીસ હવે નારોલના મુખ્ય સપ્લાયર સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

