કાર્યવાહી@ગુજરાત: અમદાવાદ, વડોદરા અને ભરૂચમાંથી 1.21 કરોડનો નકલી દવાઓનો જથ્થો ઝડપાયો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગાંધીનગરથી મળેલી સૂચના બાદ અમદાવાદ, વડોદરા અને ભરૂચના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડીને કુલ ₹1.21 કરોડની કિંમતનો નકલી દવાઓનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ ઓપરેશન દ્વારા નશાકારક દવાઓના ગેરકાયદેસર વેચાણ પર મોટો પ્રહાર કરવામાં આવ્યો છે.તંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં સૌથી ચોંકાવનારો ખુલાસો નશાકારક 'કોડીન સિરપ' ને લઈને થયો છે. દરોડા દરમિયાન ₹76.51 લાખની કિંમતની કોડીન સિરપની બોટલો મળી આવી હતી, જેનો જથ્થો પ્રોહિબિટ કરવામાં આવ્યો છે.
આ સિરપનો ઉપયોગ દવાની આડમાં નશા માટે કરવામાં આવતો હોવાની આશંકા છે. અમદાવાદ, વડોદરા અને ભરૂચમાં ફેલાયેલા આ નેટવર્કમાં અનેક મોટા માથાઓની સંડોવણી હોવાની શક્યતાને પગલે તપાસ તેજ કરવામાં આવી છે.તપાસ અધિકારીઓના જણાવ્યા મુજબ, જપ્ત કરાયેલી દવાઓ પરવાના વગર અને નિયત ધોરણોનું ઉલ્લંઘન કરીને વેચવામાં આવતી હતી. આ દવાઓ દર્દીઓ માટે જીવલેણ સાબિત થઈ શકે તેમ હતી. તંત્રએ આ તમામ જથ્થો સીલ કરી દીધો છે અને જવાબદાર પેઢીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આટલી મોટી માત્રામાં નકલી દવાઓ પકડાતા ફાર્મા બજારમાં ખળભળાટ મચી ગયો છે.

