કાર્યવાહી@ગુજરાત: નશાકારક દવાઓ પર FDCA ની મોટી સર્જિકલ સ્ટ્રાઈક, 7 પેઢીઓને નોટિસ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમાં કોડીન ઘટક ધરાવતી દવાઓના ગેરકાયદેસર ઉપયોગ, અનધિકૃત સંગ્રહ અને વેચાણ સામે આરોગ્ય તંત્રએ લાલ આંખ કરી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આપવામાં આવેલી કડક સૂચનાઓ બાદ, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તા.01 સપ્ટેમ્બર 2026ના રોજ સમગ્ર રાજ્યમાં એક વિશેષ તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ જનતાના આરોગ્યની સુરક્ષા માટે ઝીરો ટોલરન્સની નીતિ સાથે આ કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન બાલાજી ફાર્મામાંથી જ 83 લાખથી વધુનો માલ જપ્ત/સ્થગિત કરાયો છે જ્યારે કુલ 7 પેઢીઓને નોટિસ અને 1 પેઢીનો પરવાનો (લાઈસન્સ) રદ કરવામાં આવ્યો છે.
આ સ્પેશ્યલ ડ્રાઇવ હેઠળ અમદાવાદ ગ્રામ્ય, અમદાવાદ-1, ગાંધીનગર અને મહેસાણા જિલ્લાઓમાં આવેલી વિવિધ ફાર્મા પેઢીઓમાં સઘન તપાસ હાથ ધરી રેકોર્ડ અને બીલોની ચકાસણી કરવામાં આવી હતી. આ દરમિયાન સામે આવેલી વિગતો અને લેવાયેલાં પગલાં આ મુજબ છે:બાલાજી ફાર્મા, અમદાવાદ ગ્રામ્ય-ગાંધીનગર: અહીં તપાસ દરમિયાન કોડીન ઘટક ધરાવતી Rexton-T Syrupની કુલ 37,762 બોટલ (MRP રૂ. 220/- પ્રતિ બોટલ) મળી આવી હતી, જેની અંદાજિત કિંમત રૂ. 83,07,640/- થાય છે. આ આખા જથ્થાના વેચાણ પર પ્રતિબંધ મૂકીને તેને સ્થગિત કરાયો છે અને લેબોરેટરી ચકાસણી માટે નમૂનો લેવાયો છે. મુખ્યત્વે કોડીનયુક્ત દવાનો વેપાર કરતી આ પેઢીને ક્ષતિઓ બદલ કારણદર્શક નોટિસ આપવામાં આવી છે.
હેલ્થ પોઇન્ટ ફાર્મા, કલોલ (ગાંધીનગર): તા. 31/08/2026ના રોજ કરાયેલી તપાસ બાદ આપેલી શો-કોઝ નોટિસનો ખુલાસો સંતોષકારક ન જણાતાં, આ પેઢીનો દવા વેચાણનો પરવાનો (લાઈસન્સ) કાયમી ધોરણે રદ કરી દેવામાં આવ્યો છે.
જય અંબે ડિસ્ટ્રિબ્યુટર્સ, અમદાવાદ-1: તપાસ દરમિયાન R Tuss TD Syrupની 57 બોટલ (MRP રૂ. 158/-, કિંમત રૂ. 9,006/-) મળી આવતા તેને સ્થગિત કરાઈ છે. મુખ્યત્વે કોડીનનો જ વેપાર કરતી આ પેઢીને પણ કારણદર્શક નોટિસ આપવામાં આવી છે.ફાર્માલિન લાઇફસાયન્સિસ (ચાંગોદર, અમદાવાદ ગ્રામ્ય) અને રેઇન રેમેડીઝ (સાંતેજ, અમદાવાદ ગ્રામ્ય): બંને પેઢીઓમાં ખરીદ-વેચાણના બીલો અને દસ્તાવેજોમાં મળેલી ક્ષતિઓ બદલ કારણદર્શક નોટિસ પાઠવી સ્પષ્ટતા માગવામાં આવી છે.
કેપિટલ ફાર્મા (વિસનગર, મહેસાણા) અને HRDM ગ્લોબલ સોલ્યુશન્સ (અમદાવાદ-1): આ પેઢીઓમાં પણ મુખ્યત્વે કોડીનયુક્ત દવાનો વેપાર અને અન્ય નિયમોનું ઉલ્લંઘન જણાતાં નોટિસ ફટકારવામાં આવી છે. કૃષ્ણા ફાર્મા (કઠવાડા, અમદાવાદ-૧): તપાસમાં ક્ષતિઓ જણાયા બાદ આ પેઢીને પણ કારણદર્શક નોટિસ પાઠવવાની પ્રક્રિયા હાલ ચાલુ છે.
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે રાજ્યમાં આવી નશાકારક કે કોડીન ઘટક ધરાવતી દવાઓનો ઉપયોગ માત્ર માન્ય તબીબી પ્રિસ્ક્રિપ્શન અને કાયદેસરના માધ્યમથી જ થાય તે સુનિશ્ચિત કરવામાં આવશે. કાયદા અને નિયમોનું અનાદર કરનાર કોઈપણ વેપારી કે પેઢીને બક્ષવામાં નહીં આવે. તમામ પેઢીઓના ખરીદ-વેચાણના બીલો અને રેકોર્ડ્સની આગળની તપાસ હાલમાં પણ પુરજોશમાં ચાલી રહી છે અને આગામી દિવસોમાં પણ સમગ્ર રાજ્યમાં આવી સરપ્રાઇઝ ચેકિંગ ડ્રાઇવ ચાલુ રહેશે.

