કાર્યવાહી@ગુજરાત: દેશના ઈતિહાસમાં પ્રથમવાર વ્યાજખોરોની મિલ્કત જપ્ત, સરકારનો મહત્વપુર્ણ નિર્ણય

ગુજરાત પોલીસે ખુબ કડકાઇ સાથે આકરા પગલા ભર્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશના ઇતિહાસમાં પ્રથમવાર ગુજરાત પોલીસ દ્વારા આવા વ્યાજખોરોની મિલ્કત પણ જપ્ત કરાઈ છે. રાજ્યમાં નિર્દોષ નાગરિકોને રંજાડતા વ્યાજખોરો સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની સુચનાથી ગુજરાત પોલીસે ખુબ કડકાઇ સાથે આકરા પગલા ભર્યા છે.ત્યારે વ્યાજખોરોની મિલકત જપ્ત કરવાનો નિર્ણય લેવાયો છે. આ નોંધપાત્ર કાર્યવાહી બદલ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કચ્છ પૂર્વના એસ.પી. શ્રીગર બાગમાર અને તેમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે. આ કાર્યવાહીએ ગુજરાત પોલીસની કાર્યક્ષમતા અને ગુનાહિત પ્રવૃત્તિઓ સામે ઝીરો ટોલરન્સની નીતિને રેખાંકિત કરી છે.
ગુજરાતમાં કચ્છ જિલ્લાના અંજાર શહેરમાં વ્યાજખોરીની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા અંજાર પોલીસે ઐતિહાસિક કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ, ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ કાયદા અન્વયે વ્યાજખોરીની ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા આરોપીઓ સામે કડક પગલાં લેવામાં આવ્યાં છે. આ કાર્યવાહીમાં આરોપીઓ દ્વારા વ્યાજખોરી દ્વારા મેળવેલી લગભગ 63.46 લાખ રૂપિયાની મિલ્કત એટલે કે ચાર મકાન, બે પ્લોટ અને એક સ્કોર્પિયો ગાડી સહિતની મિલ્કત જપ્ત કરવામાં આવી છે, જે દેશના ઇતિહાસમાં પ્રથમવાર આ પ્રકારની કાર્યવાહી તરીકે નોંધાઈ છે.
મંત્રી હર્ષ સંઘવીના દિશાનિર્દેશથી રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા રાજ્યભરના પોલીસ સ્ટેશનોને વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા અને તેમની ગેરકાયદેસર મિલ્કતો જપ્ત કરવા સૂચના આપવામાં આવી હતી. સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસે સંગઠિત ગુનાહિત ટોળકીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.