કાર્યવાહી@ગુજરાત: આંતરરાજ્ય નકલી દવાના મોટા કૌભાંડનો પર્દાફાશ, લખનઉમાં બ્રિજેશ પટેલ સામે FIR
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદમાં આંતરરાજ્ય ડુપ્લિકેટ દવાનું એક મોટું રેકેટ ઝડપાયું છે. લખનઉમાં બ્રિજેશ પટેલ અને તેની ક્યોરપેથ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ સામે સત્તાવાર એફઆઈઆર નોંધવામાં આવી છે. આ ગેરકાયદે પ્રવૃત્તિના તાર ગુજરાત સાથે પણ જોડાયેલા હોવાનું સામે આવ્યું છે, જેના પગલે એજન્સીઓ સક્રિય થઈ છે.આ ડુપ્લિકેટ દવાના કૌભાંડમાં એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી વોલસ્ટ્રીટ-2 અને 'કેર ફાર્મસી' નામના રિટેલ ચેઇન સ્ટોર પર તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
તપાસમાં ખૂલ્યું છે કે બ્રિજેશ પટેલ દ્વારા ગ્રાહકોને આકર્ષવા માટે ઊંચા ડિસ્કાઉન્ટની લાલચ આપવામાં આવતી હતી. ભારે ડિસ્કાઉન્ટની આડમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરીને ડુપ્લિકેટ અને નકલી દવાઓનું આડેધડ વેચાણ કરવામાં આવતું હતું. લખનઉથી શરૂ થયેલી આ તપાસના તાણાવાણા ગુજરાત સુધી લંબાયા છે, જેને લઈને રાજ્યભરના મેડિકલ અને ફાર્માસ્યુટિકલ વર્તુળોમાં ભારે હડકંપ મચી ગયો છે.
આંતરરાજ્ય ડુપ્લિકેટ દવાના આ વિશાળ નેટવર્ક પાછળ કોણ-કોણ સંડોવાયેલું છે અને આ રેકેટ ક્યાં સુધી ફેલાયેલું છે તેની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. એજન્સીઓ દ્વારા દવાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવતો હતો અને કઈ કઈ જગ્યાએ સપ્લાય થતો હતો તેની કડીઓ મેળવવામાં આવી રહી છે. આગામી દિવસોમાં અન્ય શખ્સો અને નેટવર્ક સાથે જોડાયેલા વધુ મોટા ખુલાસા થવાની પૂરી શક્યતા છે.

