કાર્યવાહી@ગુજરાત: DyCMની હાજરીમાં 2212 કરોડના નશીલા પદાર્થોનો નાશ કરાયો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે ભરૂચના દહેજ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં અંદાજે 2212 કરોડ રૂપિયાની કિંમતના નશીલા પદાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં રાજ્યના 23 જિલ્લાઓમાં પોલીસ દ્વારા પકડવામાં આવેલા ડ્રગ્સનો નિકાલ કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત આંકડા મુજબ, કુલ 877 કેસમાં જપ્ત કરાયેલ 14,337 કિલો જેટલો જથ્થો અને 11 લાખથી વધુ દવાઓની બોટલો નાશ કરવામાં આવી. આ સંપૂર્ણ પ્રક્રિયા દહેજના બી.ઈ.આઈ.એલ. ઇન્સિનેરેટરમાં પર્યાવરણીય ધોરણોને ધ્યાનમાં રાખીને પૂર્ણ કરવામાં આવી હતી.
હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાત પોલીસની ડ્રગ્સ સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ છે. રાજ્યમાં ડ્રગ્સના કેસોમાં સજાનો દર 65 ટકા જેટલો રહ્યો છે, જે પોલીસની મજબૂત તપાસ અને કાયદાકીય કાર્યવાહીની સાક્ષી પૂરે છે. ડ્રગ્સના દૂષણને જડમૂળથી ઉખેડી ફેંકનારા 278 જેટલા બહાદુર પોલીસ અધિકારીઓને તેમના ઉત્કૃષ્ટ કામ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા અને પ્રોત્સાહન રૂપે તેમને 60 લાખ રૂપિયાના ઇનામો અર્પણ કરવામાં આવ્યા હતા.
આ કાર્યવાહીમાં DGP જ્ઞાનેન્દ્રસિંહ મલિક, કે.એલ.રાવ, ગૌતમ પરમાર, સંદીપસિંગ, ભરૂચ કલેકટર, SP સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા ડ્રગ્સ વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે.

