કાર્યવાહી@ગુજરાત: PMJAY કૌભાંડ હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા ખ્યાતિ સહિતની સાત હોસ્પિટલ સસ્પેન્ડ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદની એસ. જી. હાઈવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓની જાણ બહાર એન્જિયોપ્લાસ્ટી કરી બે દર્દીના મોતથી સમગ્ર ગુજરાત હચમચી ગયું હતું. હોસ્પિટલ દ્વારા આયુષ્યમાન કાર્ડનો દુરૂપયોગ કરી કેવી રીતે PMJAY યોજના હેઠળ કૌભાંડ આચરવામાં આવે છે તે પણ બહાર આવ્યું હતું. જેને લઈને આરોગ્ય વિભાગ અને રાજ્ય સરકાર તરફથી તપાસના આદેશ આપવામાં આવ્યા હતાં.
આ તપાસ હેઠળ કરેલી કાર્યવાહીમા સાત હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી છે. PMJAY કૌભાંડ હેઠળ આરોગ્ય વિભાગે સાત ખ્યાતિ સહિતની સાત હોસ્પિટલને સસ્પેન્ડ કરી છે. જેમાં અમદાવાદની ત્રણ, સુરત, વડોદરા અને રાજકોટની 1-1 હોસ્પિટલ તેમજ ગીર સોમનાથની હોસ્પિટલને પણ સસ્પેન્ડ કરવામાં આવી છે. હોસ્પિટલની સાથે-સાથે મલ્ટિસ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. જે હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા ચાર ડૉકટરોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
જેમાં ખ્યાતિ હોસ્પિટલનો ડૉ. પ્રશાંત વજીરાણી પણ સામેલ છે. આરોગ્ય વિભાગ દ્વારા આ મામલે હજુ વધુ તપાસ કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન હજુ જો અન્ય કોઈ હોસ્પિટલ કે ડૉક્ટરના આ કૌભાંડમાં નામ સામે આવશે તો તે તમામની સામે પણ આ પ્રકારની જ કડક કાર્યવાહી કરવામાં આવશે. નોંધનીય છે કે, આ તમામ હોસ્પિટલ અને ડૉક્ટર્સ સામે હજુ સુધી ફોજદારી ગુના હેઠળ કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી.