કાર્યવાહી@ગુજરાત: રાજ્યનું સૌથી મોટુ ગેસ રિફીલિંગ કૌભાંડ ઝડપાયું, 700થી વધુ બોટલો ઝડપાઈ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરતના ઓલપાડના માસમા ગામની સીમમાંથી ગેસ રિફીલિંગ કરવા માટેનું ગોડાઉન ઝડપાયું છે. પોલીસે રાજ્યનું સૌથી મોટુ ગેસ રિફીલિંગ કૌભાંડ ઝડપી પાડ્યું છે. આ ગોડાઉનમાં ઈન્ડેન ગેસની બોટલમાંથી અન્ય બોટલમાં રિફીલિંગ કરવામાં આવતુ હતુ. કૌભાંડીઓ ગેસની બોટલમાંથી બેથી ત્રણ કિલો ગેસ કાઢી લેતા હતાં. પોલીસે ચંદન ગેસ સર્વિસ એજન્સીમાંથી આ કૌભાંડ ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ એજન્સી દ્વારા ઈન્ડેન ગેસની બોટલમાંથી અન્ય બોટલમાં ગેસનું રિફીલિંગ કરવામાં આવતુ હતું.
પોલીસની તપાસમાં 700થી વધુ ગેસની બોટલો ઝડપાઈ છે. આ ઉપરાંત ગેસની બોટલ ભરેલા આઠ ટેમ્પા પણ મળી આવ્યાં છે.પોલીસે દરોડો પાડતાં કેટલાક ઈસમો ફરાર થઈ ગયા હતાં. જ્યારે એક ઈસમ ઝડપાયો હતો. અગાઉ એક હજાર ગેસની બોટલ રિફીલિંગ કરવાનું કૌભાંડ ઝડપાયું હતું.ઓલપાડ પોલીસે સમગ્ર ગેસ રિફીલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. કૌભાંડીઓ ઈન્ડેન ગેસની 30 કિલોની બોટલમાંથી બેથી ત્રણ કિલો ગેસ કાઢી લેવાતો હતો. પોલીસે એક ઈસમને પકડીને ફરાર થઈ ગયેલા ઈસમોને પકડવા ચક્રો ગતિમાન કર્યાં છે.