કાર્યવાહી@ગુજરાત: PMJAY યોજનામાં ગેરરીતી આચરતી 4 હોસ્પિટલો સામે કડક પગલાં, 2 હોસ્પિટલ સસ્પેન્ડ

 
કાર્યવાહી
હોસ્પિટલમાંથી એક્સપાયર્ડ દવાઓ મળી આવી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને નિઃશુલ્ક સારવાર આપવામાં ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે રાજ્યના આરોગ્ય વિભાગે લાલ આંખ કરી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના સીધા નિર્દેશ બાદ મધ્ય ગુજરાતની 4 હોસ્પિટલો સામે કડક પગલાં લેવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલા ઓચિંતી રેડ દરમિયાન ગંભીર ખામીઓ અને યોજનાની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન જણાતા 2 હોસ્પિટલોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવી છે. જ્યારે અન્ય 2 હોસ્પિટલોને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.

આરોગ્ય મંત્રીએ આ સમગ્ર મામલે મોડી રાત સુધી જોડાયેલા રહ્યા હતા અને આરોગ્ય સચિવ સહિત વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા. આરોગ્ય વિભાગની તપાસમાં ચાર હોસ્પિટલોમાં ગંભીર ગેરરીતિઓ પકડાઈ હતી. જેમાં પંચમહાલના ગોધરામાં આવેલી દીપ ચિલ્ડ્રન હોસ્પિટલમાં PICU અને NICU માટેના જરૂરી માપદંડો પુરા નહોતા. હોસ્પિટલમાંથી એક્સપાયર્ડ દવાઓ મળી આવી હતી. તપાસ સમયે MBBS ડોક્ટર હાજર નહોતા અને લાભાર્થીઓ માટે જરૂરી માહિતી કિઓસ્ક પણ ઉપલબ્ધ નહોતું.બીજી તરફ ભરૂચની કાશીમા હોસ્પિટલમાં પણ PICU અને NICU ના માપદંડનું પાલન થતું ન હોવાની સામે આવ્યું હતું. નર્સિંગ સ્ટાફ ક્વોલિફાઇડ નહોતો અને બપોરના 12 વાગ્યા સુધી તબીબી અધિકારી હાજર નહોતા.

હોસ્પિટલ પાસે જરૂરી BU પરમીશન અને ફાયર NOC પણ ઉપલબ્ધ નહોતા. જ્યારે અન્ય બેહોસ્પિટલને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે. જેમાં પંચમહાલના કાલોલમાં આવેલી ચિલ્ડ્રન અને જનરલ હોસ્પિટલ લાભાર્થીઓને યોજનાકીય માહિતી આપતું કિઓસ્ક સ્થાપિત નહોતું. જ્યારે દાહોદના દેવગઢ બારિયામાં આવેલી મા ચિલ્ડ્રન અને નીઓનેટલ કેરના NICU માંથી એક્સપાયર્ડ દવાઓ મળી હતી. તપાસ ટીમે CCTV ફૂટેજ માંગતા હોસ્પિટલ દ્વારા તે આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.