કાર્યવાહી@ગુજરાત: પાલનપુર-જગાણા હાઈવે પરથી રૂ.5 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે રાજસ્થાનના બે યુવકોની ધરપકડ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
બનાસકાંઠા જિલ્લામાં નશાના કારોબાર પર લગામ કસવા માટે ગુજરાત CID ક્રાઈમની એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સએ મોટી સફળતા મેળવી છે. પાલનપુર-જગાણા હાઈવે પરથી પોલીસે 232 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે રાજસ્થાનના બે યુવકોને દબોચી લીધા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત આશરે 5 લાખ રૂપિયાથી વધુ આંકવામાં આવી રહી છે. ANTFના અધિકારીઓને સચોટ બાતમી મળી હતી કે, રાજસ્થાન તરફથી એક મોટરસાયકલ પર નશીલા પદાર્થોનો જથ્થો ગુજરાતમાં લાવવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે 16 માર્ચના રોજ પાલનપુર તાલુકાના જગાણા હાઈવે પર પોલીસની ટીમે નાકાબંધી કરી વોચ ગોઠવી હતી.
આ દરમિયાન, રાજસ્થાન પાસિંગની મોટરસાયકલ પર આવી રહેલા બે શંકાસ્પદ શખસોને આંતરીને તેમની તપાસ કરવામાં આવતા તેમની પાસેથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ મામલે રાજસ્થાનના જાલોર જિલ્લાના બે શખસોની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી 232 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઉપરાંત 50,000ની કિંમતની મોટરસાયકલ, 10,000ના ત્રણ મોબાઈલ ફોન અને રોકડ રકમ મળીને કુલ 7.56 લાખ રૂપિયાની મત્તા જપ્ત કરી છે. આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ 1985 હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

