કાર્યવાહી@અમદાવાદ: ગેરકાયદે વસવાટ કરતા 61 બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત, દેશનિકાલની તજવીજ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દિવાળી પૂર્વે અમદાવાદ શહેરમાં સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગેરકાયદેસર વસવાટ કરતા વિદેશી નાગરિકો સામે અત્યાર સુધીનું સૌથી મોટું સંયુક્ત મેગા ઓપરેશન હાથ ધર્યું છે. ગુપ્તચર બાતમીના આધારે શહેરના વિવિધ ઝોનમાં એકસાથે પાડેલા દરોડા દરમિયાન ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ 61 જેટલા વિદેશી નાગરિકોને રાઉન્ડઅપ કરીને અટકાયતમાં લીધા છે. પ્રાથમિક તપાસ અને સઘન પૂછપરછમાં અટકાયત કરાયેલા તમામ 61 નાગરિકો પાડોશી દેશ બાંગ્લાદેશના વતની હોવાનું અને કોઈપણ માન્ય પાસપોર્ટ કે વિઝા વગર ગેરકાયદેસર રીતે ભારતમાં વસવાટ કરતા હોવાનો પર્દાફાશ થયો છે.
આ સામૂહિક કાર્યવાહીથી ગેરકાયદે ઘૂસણખોરી કરાવતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.અમદાવાદમાં બાંગ્લાદેશી નાગરિકો છૂપા વેશે શ્રમિક કે અન્ય વ્યવસાયોમાં રોકાઈને ગેરકાયદે વસવાટ કરી રહ્યા હોવાની સચોટ બાતમી ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. પૂર્વ અને પશ્ચિમ સહિત શહેરના સંવેદનશીલ અને શ્રમિક વિસ્તારોમાં અલગ-અલગ પોલીસ ટીમો બનાવીને એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન આ શંકાસ્પદ લોકો પાસેથી ભારતમાં કાયદેસર રહેઠાણ અંગેના કોઈ સત્તાવાર પુરાવા મળી આવ્યા નહોતા. જેથી તાત્કાલિક તમામને અટકાયતમાં લઈ ક્રાઈમ બ્રાન્ચ મથકે ખસેડવામાં આવ્યા હતા. અટકાયતમાં લેવાયેલા બાંગ્લાદેશી નાગરિકોએ ભારતમાં રહેવા માટે કોઈ સ્થાનિક ઓળખકાર્ડ કે સરકારી દસ્તાવેજો બનાવડાવ્યા છે કે કેમ, તેમજ તેમને અહીં આશ્રય અને કામ આપનારા સ્થાનિક એજન્ટો કોણ છે તે દિશામાં ફોરેન્સિક અને દસ્તાવેજી તપાસ શરૂ કરવામાં આવી છે.
વિદેશી નાગરિક અધિનિયમ હેઠળ ગુનો નોંધીને કેન્દ્રીય એજન્સીઓ અને વિદેશ મંત્રાલયના સંકલનમાં તમામને દેશનિકાલ કરવાની સત્તાવાર કાનૂની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યા છે કે તહેવારો દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે ગેરકાયદે વસવાટ કરતા ઈસમો સામેની આ ડ્રાઈવ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે.

