કાર્યવાહી@અમદાવાદ: નકલી ટોમેટો સોસ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ, ફૂડ વિભાગે ગેરકાયદે યુનિટને કર્યું સીલ

 
કાર્યવાહી

2000 કિલો જેટલો રો મટીરીયલ અને તૈયાર સોસનો જથ્થો જપ્ત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા શહેરના દાણીલીમડા-પીરાણા રોડ પર આવેલા કારખાનામાં દરોડો પાડવામાં આવ્યા હતા. જ્યા લાયસન્સ વગર અનહાઇજિનિક કન્ડિશનમાં ચાલતા બનાવટી અને હલકી ગુણવત્તાના ટોમેટો સોસ બનાવવાના કારખાનાનો પર્દાફાશ થયો હતો. ફૂડ વિભાગે સ્થળ પરથી 2000 કિલો જેટલો રો મટીરીયલ અને તૈયાર સોસનો જથ્થો જપ્ત કરી સમગ્ર જગ્યાને સીલ કરી દીધી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા મળતી વિગતો અનુસાર, બહેરામપુરા વિસ્તારમાં સેન્ડવીચ અને બર્ગરમાં વપરાતા ટોમેટો સોસના યુનિટ પર દરોડો પાડવામાં આવ્યા હતા.

આ દરમિયાન સોસ બનાવવા માટે ટામેટાંના બદલે બટાકાનો પાવડર અને હાનિકારક એસિડિક કલર સહિતની કેમિકલયુક્ત ચીજવસ્તુઓનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવતો હતો.આ ઉપરાંત સોસ બનાવવાની જગ્યાપર અત્યત ગંદકી અને અસ્વચ્છતા જોવા મળી હતી.ફૂડ વિભાગની પૂછપરછમાં સામે આવ્યું હતું કે સંચાલકો પાસે આ જગ્યાનું કોઈ લાયસન્સ નહોતું. જે નામે લાયસન્સ દર્શાવવામાં આવતું હતું તે સરનામું પણ ખોટું નીકળ્યું હતું. કોઈપણ જાતના માન્ય લાયસન્સ વિના ગેરકાયદે રીતે અતિ હલકી ગુણવત્તાના 'ટેસ્ટી સ્નેક્સ કેચઅપ' નામે સોસનું ઉત્પાદન કરી અલગ-અલગ દુકાનો અને ખાણીપીણીની લારીઓ પર વેચાણ કરવામાં આવતું હતું. ફૂડ વિભાગે ખરીદ-વેચાણના બિલ માંગતા સંચાલકો કોઈ બિલ રજૂ કરી શક્યા નહોતા.સ્થળ પરથી ફૂડ વિભાગની ટીમે બે હજાર કિલો કિલો જેટલો રો મટીરીયલ અને તૈયાર સોસનો જથ્થો કબ્જે કર્યો છે. ફૂડ વિભાગે તાત્કાલિક ધોરણે આ ગેરકાયદે યુનિટને સીલ કરી દીધુ છે અને જપ્ત કરાયેલા તમામ અખાદ્ય જથ્થાના સેમ્પલ લઈને તેને નાશ કરવાની કાયદેશરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.