કાર્યવાહી@અમદાવાદ: નકલી કોસ્મેટિક્સ પ્રોડક્ટ્સનું કૌભાંડ ઝડપાયું, રૂ.6.90 લાખનો જથ્થો જપ્ત

 
કૌભાંડ
LOréal કંપનીના નામે નકલી માલ વેચાતો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદ પોલીસે શહેરના માય બ્યુટી સેન્ટર અને લક્ષ્‍મી બ્યુટી શોપ પર દરોડા પાડીને LOréal કંપનીના નામે વેચાતા નકલી ઉત્પાદનોનો વિશાળ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ દરોડા દરમિયાન પોલીસે કુલ 1221 નંગ નકલી કોસ્મેટિક્સ પ્રોડક્ટ્સ જપ્ત કરી છે, જેની બજાર કિંમત આશરે રૂ.6.90 લાખ આંકવામાં આવી છે.જપ્ત કરાયેલા ઉત્પાદનોમાં નકલી શેમ્પૂ, સીરમ, ક્રીમ અને હેર કલર જેવી LOréal બ્રાન્ડની લોકપ્રિય વસ્તુઓનો સમાવેશ થાય છે.

LOréal કંપનીના અધિકૃત પ્રતિનિધિ દ્વારા મળેલી ચોક્કસ માહિતીના આધારે અમદાવાદ પોલીસે આ દરોડા પાડ્યા હતા અને સફળતાપૂર્વક નકલી ઉત્પાદનોના વેચાણ કરતા રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આ કેસમાં પોલીસે બે શખ્સો, યશ ઠક્કર અને ઋષભ અગ્રવાલની ધરપકડ કરી છે. આ કાર્યવાહી નકલી ઉત્પાદનોના વેચાણ પર અંકુશ લગાવવા અને ગ્રાહકોના સ્વાસ્થ્ય તથા નાણાકીય હિતોનું રક્ષણ કરવા માટેના પોલીસના પ્રયાસો દર્શાવે છે. વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.