કાર્યવાહી@ડાંગ: સાપુતારા સરહદેથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો, હેલ્મેટના બોક્સની આડમાં દારૂની હેરાફેરી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ડાંગ જિલ્લામાં આવેલી સાપુતારા પોલીસ ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂની મોટી હેરાફેરીનો પર્દાફાશ થયો છે. પોલીસે બાતમી અને સઘન વાહન ચેકિંગના આધારે હેલ્મેટના બોક્સની આડમાં રાજ્યમાં ઘુસાડવામાં આવતો દારૂનો મોટો જથ્થો ઝડપી પાડી બે શખ્સોને જેલહવાલે કર્યા છે. સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક અને ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષકના સીધા માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસ ટીમ સરહદી વિસ્તારમાં પેટ્રોલીંગ અને વાહન ચેકિંગમાં હતી.
આ દરમિયાન મહારાષ્ટ્ર તરફથી શંકાસ્પદ હાલતમાં આવતી એક બોલેરો મેક્સી ટ્રકને અટકાવવામાં આવી હતી. પોલીસે જ્યારે ટ્રકની તલાશી લીધી ત્યારે ઉપર હેલ્મેટના બોક્સ ગોઠવેલા હતા, પરંતુ તેની પાછળ કાળજીપૂર્વક વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ગેરકાયદેસર જથ્થાની ગણતરી કરતા ટ્રકમાંથી વિદેશી દારૂની કુલ 3,696 બોટલો તેમજ 103 ટીન બીયર મળી આવ્યા હતા. આ કામગીરી દરમિયાન પોલીસે દારૂ ભરેલા 140 હેલ્મેટ બોક્સ, ગુનામાં વપરાયેલી બોલેરો મેક્સી ટ્રક અને 2 મોબાઇલ ફોન મળીને કુલ અંદાજે રૂ.8,39,950 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આ ગેરકાયદે હેરાફેરીના મામલે સાપુતારા પોલીસે હરિયાણા અને રાજસ્થાનના રહેવાસી એવા 2 આરોપીઓની સ્થળ પરથી જ ધરપકડ કરી છે. પોલીસે બંને આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ગુજરાતમાં કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. તહેવારો દરમિયાન અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા ડાંગ પોલીસ દ્વારા સરહદી વિસ્તારોમાં ચેકિંગ વધુ સઘન બનાવવામાં આવ્યું છે.

