કાર્યવાહી@ગુજરાત: 3 મહાનગરોમાં ITના દરોડા, રેસ્ટોરન્ટોમાં રૂ.25,000 કરોડની કરચોરીની શંકા

 
કાર્યવાહી
2 થી 5 કરોડની આવક ધરાવતી હોટલો સકંજામાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં આવકવેરા વિભાગે કરચોરો સામે અભિયાન વધુ તેજ બનાવ્યું છે.અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા મુખ્ય શહેરોમાં આવેલી હોટલ તેમજ રેસ્ટોરન્ટો પર તપાસનો મોટો ધમધમાટ શરૂ થયો છે. સમગ્ર રાજ્યના હોસ્પિટાલિટી ક્ષેત્રમાં આ અચાનક આવેલી કાર્યવાહીથી ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પ્રાથમિક અંદાજ મુજબ રેસ્ટોરન્ટ સેક્ટરમાં આશરે 25 હજાર કરોડ રૂપિયાની તોતિંગ કરચોરી થઈ હોવાની શંકા સેવાઈ રહી છે.કરવેરા અધિકારીઓ આ મામલે ખૂબ જ બારીકાઈથી આગળ વધી રહ્યા છે. ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મના ડેટા ચકાસણી દરમિયાન આ ચોંકાવનારી બાબતો સામે આવી છે. જાણીતી ફૂડ એપ્સ સ્વિગી અને ઝોમેટોના વ્યવહારોમાં 8 હજાર કરોડ રૂપિયા જેટલું TDS કપાયું હતું.

આ આંકડા સામે આવ્યા પછી સ્થાનિક કક્ષાએ દર્શાવવામાં આવતા વાર્ષિક ટર્નઓવર વચ્ચે મોટો તફાવત જોવા મળ્યો છે. ડિજિટલ પ્લેટફોર્મ પર થયેલા ઓર્ડર્સ અને ચોપડે નોંધાયેલા આંકડા મેળ ખાતા ન હોવાથી તપાસનો દોર વધુ લંબાયો છે.હોટલ સંચાલકોએ ટેક્સ બચાવવા માટે આધુનિક ટેકનોલોજીનો દુરુપયોગ કર્યો હોવાનું ખૂલ્યું છે. મોટાભાગની રેસ્ટોરન્ટોએ સોફ્ટવેર ક્લાઉડ સિસ્ટમનો ઉપયોગ કરીને પોતાનું સાચું વેચાણ છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. કાઉન્ટર પર ગ્રાહકો પાસેથી રોકડ મેળવીને બિલ સિસ્ટમમાંથી ગાયબ કરી દેવાનું કૌભાંડ ચાલતું હતું, ટેકનિકલ ટીમે આ સમગ્ર ક્લાઉડ ડેટા સર્વરને સીઝ કરીને ઊંડાણપૂર્વક વિશ્લેષણ શરૂ કર્યું છે.

આવકવેરા વિભાગનું મુખ્ય ધ્યાન મધ્યમ અને મોટા કદના ફૂડ આઉટલેટ્સ પર કેન્દ્રિત થયું છે. વાર્ષિક 2 કરોડથી લઈને 5 કરોડ સુધીનું ટર્નઓવર કે આવક ધરાવતી હોટલો સીધી રડારમાં આવી છે. આ શ્રેણીમાં આવતા એકમોએ મોટા પાયે બિલ વગરનું વેચાણ બતાવ્યું હોવાના પુરાવા મળ્યા છે. ત્રણેય મહાનગરોમાં ટીમ એકસાથે પહોંચીને જૂના ચોપડા અને ઓનલાઈન હિસાબો ચકાસી રહી છે. આગામી દિવસોમાં આ મામલે મોટા નામો સામે આવવાની પૂરી શક્યતા રહેલી છે. અધિકારીઓ હાલ તમામ બેંક ખાતાઓ અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનની ક્રોસ વેરિફિકેશન પ્રક્રિયા પૂરી કરવામાં વ્યસ્ત બન્યા છે. કરચોરીની રકમ હજુ પણ વધી શકે તેમ માનવામાં આવે છે.