કાર્યવાહી@ગુજરાત: વાપીમાં કરોડોના નશાના રેકેટનો પર્દાફાશ, 12 કરોડથી વધુની કિંમતનો જથ્થો જપ્ત
બે આરોપીઓ સકંજામાં
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વાપી શહેરમાંથી ડ્રગ્સ અને નશાના કારોબારને લગતી અત્યંત ચોંકાવનારી અને મોટી ઘટના સામે આવી છે. સુરક્ષા અને તપાસ એજન્સીઓ દ્વારા હાથ ધરવામાં આવેલી ઓપરેશનલ કાર્યવાહી દરમિયાન વાપીમાંથી અંદાજે 12 કરોડ રૂપિયા ની બજાર કિંમત ધરાવતો 243 કિલોગ્રામથી વધુ નો વિશાળ જથ્થો નશીલા પદાર્થો સાથે ઝડપી પાડવામાં આવ્યો છે.રાજ્યમાં યુવાધન અને સુરક્ષાને નુકસાન પહોંચાડતા આ મોટા રેકેટનો પર્દાફાશ થતા પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.
આ ગંભીર ગુનાની તપાસને વધુ વેગ આપવા માટે હવે ગુજરાત ATS પણ સત્તાવાર રીતે તપાસમાં જોડાઈ ગઈ છે. પોલીસે આ પ્રકરણમાં પ્રાથમિક તપાસ બાદ નોંધવામાં આવેલી FIR માં બે મુખ્ય આરોપીઓનાં નામ સામે આવ્યા છે. આ સાથે જ આરોપીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા મોબાઈલ ફોન, શંકાસ્પદ વાહનો અને અન્ય સાધનો સહિતનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે. કાયદાકીય પ્રક્રિયા હાથ ધરીને તમામ આરોપીઓ વિરુદ્ધ કડક NDPS કાયદા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઝેરી અને નશીલા પદાર્થોના આ પૂરા નેટવર્કનું મૂળ ક્યાં સુધી ફેલાયેલું છે અને આ જથ્થો ક્યાંથી સપ્લાય થતો હતો તે અંગે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. એજન્સીઓ દ્વારા આ કથિત નેટવર્કમાં સંડોવાયેલા અન્ય મળતિયાઓ અને મોટા માથાઓની પણ સઘન પૂછપરછ અને શોધખોળ હાથ ધરવામાં આવી છે.

