કાર્યવાહી@કચ્છ: રૂ.70 હજારની લાંચ લેતા હેડ કોન્સ્ટેબલને એસીબીએ રંગેહાથ ઝડપ્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના કોડાય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ વિપુલ ચૌધરીને રૂપિયા 70 હજારની રોકડ લાંચ સ્વીકારતા એસીબીની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસ સ્ટેશન પરિસરમાં જ ગોઠવાયેલા લાંચના છટકામાં હેડ કોન્સ્ટેબલ રંગેહાથ ઝડપાઈ જતાં સમગ્ર જિલ્લાના પોલીસ તંત્રમાં ભારે ચકચાર મચી જવા પામી છે.કાયદાના રક્ષક તરીકે ફરજ બજાવતા પોલીસકર્મીએ જ કાયદેસરની કાર્યવાહીની આડમાં તોડબાજી શરૂ કરી હોવાનો પર્દાફાશ થયો છે.
ફરિયાદીના ડમ્પર સામે કાયદેસરની કાર્યવાહી ન કરવા અને ડમ્પર છોડી મૂકવા માટે કોડાય પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વિપુલ ચૌધરીએ શરૂઆતમાં રૂપિયા બે લાખ ની તોતિંગ લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચની આટલી મોટી રકમ આપવા સક્ષમ ન હોવાથી બંને પક્ષે થયેલી રકઝકના અંતે લાંચ પેટે રૂપિયા એક લાખ આપવાનું નક્કી થયું હતું. નક્કી થયેલી રકમ પૈકી હેડ કોન્સ્ટેબલે અગાઉ ફરિયાદી પાસેથી રૂપિયા 30,000 એડવાન્સ પેટે પડાવી લીધા હતા અને બાકી નીકળતી રૂપિયા 70,000 ની રકમ માટે ફરિયાદી પર સતત ઉઘરાણી અને દબાણ કરવામાં આવી રહ્યું હતું. લાંચની બાકીની રકમ આપવા ન માગતા ફરિયાદીએ સીધો એસીબીનો સંપર્ક સાધી સમગ્ર હકીકત જણાવી લેખિત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીની ફરિયાદના આધારે એસીબીની ટીમે પંચોની હાજરીમાં વ્યવસ્થિત છટકું ગોઠવ્યું હતું.
કોડાય પોલીસ સ્ટેશન પરિસરમાં જ જ્યારે હેડ કોન્સ્ટેબલ વિપુલ ચૌધરી ફરિયાદી પાસેથી બાકી નીકળતી લાંચની રકમ રૂ.70,000 સ્વીકારી રહ્યા હતા, ત્યારે જ પૂર્વ આયોજિત પ્લાન મુજબ એસીબીના અધિકારીઓએ ત્રાટકીને તેમને રંગેહાથ ઝડપી લીધા હતા. એસીબીએ આરોપી હેડ કોન્સ્ટેબલ પાસેથી લાંચ પેટે સ્વીકારેલા તમામ 70,000 રોકડા રિકવર કરી લીધા છે. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપી વિપુલ ચૌધરીની અટકાયત કરવામાં આવી છે.

