કાર્યવાહી@રાજકોટ: સોડા મશીનમાં દેશી દારૂ ભરી ગ્રાહકોને પીરસવાનું એક અત્યંત ચિત્રવિચિત્ર રેકેટ ઝડપાયું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રંગીલા રાજકોટ શહેરમાંથી એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેણે પોલીસ અધિકારીઓને પણ માથું ખંજવાળતા કરી દીધા છેએસોડા સેન્ટરની આડમાં અને ખાસ કરીને સોડા મશીનની અંદર દેશી દારૂ ભરીને ગ્રાહકોને પીરસવાનું એક અત્યંત ચિત્રવિચિત્ર રેકેટ પકડાયું છે.રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ અંતર્ગત કાર્યરત પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ એટલે કે પીસીબીની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને આ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.
સમગ્ર ઘટનાની વિગત એવી છે કે રાજકોટના મવડી વિસ્તારમાં આવેલી મારુતિનંદન સોસાયટીમાં લાંબા સમયથી દેશી દારૂનું છૂટક વેચાણ થતું હોવાની ચોક્કસ બાતમી PCB ની ટીમને મળી હતી. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો ત્યારે બહારથી સામાન્ય સોડા વેચાણનું યુનિટ કે દુકાન જેવું વાતાવરણ દેખાતું હતું. જોકે જ્યારે સોડા મશીનની ઝીણવટભરી તપાસ કરવામાં આવી ત્યારે પોલીસ અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા. સોડા મશીનના અલગ-અલગ ફ્લેવરવાળા ટેન્કોમાં સોડા કે સીરપ ભરવાને બદલે દેશી દારૂ ભરવામાં આવ્યો હતો. ગ્રાહક આવે ત્યારે નોઝલ દબાવીને સોડાની જેમ ગ્લાસમાં દેશી દારૂ ભરીને આપવામાં આવતો હતો.પોલીસ ટીમે સ્થળ પરથી મોટા પાયે તપાસ હાથ ધરીને મશીન તેમજ અન્ય પાત્રોમાં સંગ્રહાયેલો આશરે 225 લિટર દેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવી રહેલા મહેન્દ્ર ઉકડિયા નામના શખ્સને પોલીસે સ્થળ પરથી જ રંગેહાથ ઝડપી લીધો હતો.
પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે બહારથી કોઈને પણ શંકા ન જાય તે માટે આ યુક્તિ અપનાવવામાં આવી હતી જેથી આસપાસના રહીશો કે પેટ્રોલિંગ કરતી પોલીસને લાગે કે લોકો સામાન્ય સોડા પીવા માટે આવી રહ્યા છે.તપાસ દરમિયાન એ પણ બહાર આવ્યું છે કે આ નેટવર્કમાં મહેન્દ્ર ઉકડિયા સાથે અન્ય એક શખ્સ યોગીરાજસિંહ ગોહિલ પણ સક્રિય ભાગીદાર હતો અને દારૂના સપ્લાય તેમજ વેચાણમાં તેની મુખ્ય ભૂમિકા હતી. જોકે પોલીસના દરોડા દરમિયાન યોગીરાજસિંહ હાજર ન મળી આવતાં તે ફરાર જાહેર થયો છે. પીસીબી પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરનો ગુનો નોંધીને ફરાર આરોપી યોગીરાજસિંહ ગોહિલને ઝડપી લેવા માટે અલગ-અલગ વિસ્તારોમાં દરોડા શરૂ કર્યા છે.

