ભ્રષ્ટાચાર@રાજકોટ: ASI અને GRD જવાન 10,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

 
કાર્યવાહી
કાર્યવાહીથી ભ્રષ્ટ કર્મચારીઓમાં ફફડાટ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજકોટમાં આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક ASI અને એક GRD જવાનને ACBની ટીમે રંગે હાથ ઝડપી પાડ્યા છે. પોલીસ સ્ટેશનમાં જ લાંચ લેવાતી હોવાનો આ કિસ્સો સામે આવતા સમગ્ર પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક કેસ સંદર્ભે આરોપીઓને લોકઅપમાં નહીં રાખવા અને જામીનની કાર્યવાહી ઝડપથી પૂરી કરવાના બદલામાં ગેરકાયદેસર રીતે લાંચની માગણી કરવામાં આવી હતી.

ASI રાજેશ મેર અને GRD જવાન મનોજ ચૌહાણે ફરિયાદી પાસે આ કામ અર્થે કુલ 10,000 રૂપિયાની લાંચ માગી હતી. ફરિયાદી આ લાંચ આપવાબદ્લ બિલકુલ ઈચ્છુક ન હોવાથી તેમણે તુરંત જ આ બાબતે ACBનો સંપર્ક કરી સમગ્ર માહિતી આપી હતી.ફરિયાદીની સચોટ માહિતીના આધારે ACBની ટીમ દ્વારા આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સફળ છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ દરમિયાન આરોપી ASI રાજેશ મેર અને GRD જવાન મનોજ ચૌહાણ ફરિયાદી પાસેથી 10,000 રૂપિયાની લાંચની રકમ સ્વીકારતા જ ACBની ટીમ દ્વારા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. એસીબીની આ ત્વરિત અને સફળ કાર્યવાહીથી ભ્રષ્ટ કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.