કાર્યવાહી@સુરત: રૂ.410 કરોડના મોટા શેરબજાર ટ્રેડિંગ કૌભાંડનો પર્દાફાશ, 2ની ધરપકડ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરત સાયબર ક્રાઇમ સેલે શેરબજારમાં ટ્રેડિંગના નામે લોકોને રોકાણ કરાવી છેતરપિંડી આચરતી સાયબર ગેંગનો પર્દાફાશ કર્યો છે. તપાસ દરમિયાન 410 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડ સાથે જોડાયેલા રેકેટનો ખુલાસો થયો છે. આ કેસમાં લિથુઆનિયાની કૌનાસ યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજીમાં સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા વિદ્યાર્થી સહિત બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.આરોપીઓના તાર દુબઈની ચાઈનીઝ ગેંગ સાથે જોડાયેલા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
આરોપીઓ SBI ULTRA સહિત બે અલગ-અલગ બોગસ લિંક દ્વારા શેરબજારમાં રોકાણ કરાવવાના નામે છેતરપિંડી કરતા હતા. સુરતના એક વેપારીને આવી લિંક ખોલાવી 24 લાખ રૂપિયાથી વધુનું રોકાણ કરાવવામાં આવ્યું હતું. જોકે, વેપારીએ રોકાણ કરેલી રકમ ઉપાડવાનો પ્રયાસ કરતાં તેને રૂપિયા વિડ્રો કરવા દેવામાં આવ્યા નહોતા. આ ઘટનાની તપાસ દરમિયાન મોટા સાયબર ફ્રોડ રેકેટનો ખુલાસો થયો હતો. સુરત સાયબર ક્રાઈમ સેલે આ કેસમાં અબ્દુલ રહેમાન મોહમ્મદ હાસિન અક્કુકારા અને મૌસિન ખાનની ધરપકડ કરી છે. અબ્દુલ રહેમાન લિથુઆનિયાની કૌનાસ યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજીમાં સિવિલ એન્જિનિયરિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હોવાનું સામે આવ્યું છે. જ્યારે મૌસિન ખાન કેટરિંગ ક્ષેત્રમાં કર્મચારી તરીકે કામ કરતો હતો.
તપાસમાં એન્જિનિયરિંગના વિદ્યાર્થીની આ રેકેટમાં મુખ્ય ભૂમિકા હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં આરોપી વિદ્યાર્થી દુબઈમાં કાર્યરત ચાઈનીઝ ગેંગના સીધા સંપર્કમાં હોવાનું બહાર આવ્યું છે. આરોપીના મોબાઈલ ફોનમાંથી ચાઈનીઝ ગેંગ સાથે થયેલી ચેટ પણ મળી આવી છે. આ વિદ્યાર્થી ત્રણ મહિના અગાઉ જ સુરત આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. તેની પાસેથી કૌનાસ યુનિવર્સિટીનું ઓળખકાર્ડ મળ્યું છે, જેની માન્યતા પૂર્ણ થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે.
તપાસ દરમિયાન આરોપીઓ સાથે જોડાયેલા 96 બેંક ખાતાં મળી આવ્યા છે. આ ખાતાંના સંબંધમાં દેશનાં 20 રાજ્યોમાં સાયબર ફ્રોડની 338 ફરિયાદો નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર રેકેટ સાથે 410 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આંકડો જોડાયેલો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.સુરત સાયબર ક્રાઈમ સેલે આરોપીઓ પાસેથી ડેબિટ કાર્ડ, મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મોબાઈલમાંથી મળેલી ચાઈનીઝ ગેંગ સાથેની ચેટ આ કેસમાં મહત્વપૂર્ણ વિગતો સામે લાવી છે. શેરબજારમાં રોકાણના બહાને ચાલતા આ સાયબર ફ્રોડ રેકેટના પર્દાફાશથી આંતરરાષ્ટ્રીય ગેંગ સાથેના સંબંધો પણ સામે આવ્યા છે.

