કાર્યવાહી@સુરત: ભેળસેળયુક્ત મીઠાઇ બનાવવાનું રેકેટ ઝડપાયું, 40 લાખના મુદ્દામાલ સાથે ગેરકાયદે ફેક્ટરી સીલ

 
કાર્યવાહી

મોટા પ્રમાણમાં અખાદ્ય અને શંકાસ્પદ સામગ્રી મળી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે સુરત પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. સુરત જિલ્લાના કામરેજ વિસ્તાર અંતર્ગત આવતા છેડછા ગામે પોલીસ દ્વારા એક ચોક્કસ બાતમીના આધારે સપાટો બોલાવવામાં આવ્યો હતો. પોલીસ ટીમે આ વિસ્તારમાં આવેલા કેદીઆર કંપનીના શેડ નંબર-3 પર અચાનક દરોડો પાડ્યો હતો, જ્યાંથી મોટા પ્રમાણમાં અખાદ્ય અને શંકાસ્પદ સામગ્રી મળી આવી હતી.તપાસ દરમિયાન આ સ્થળેથી 2,829 કિલોગ્રામ શંકાસ્પદ મીઠાઈનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

પોલીસ અને તપાસ ટીમે કરેલી આ સઘન કાર્યવાહીમાં માત્ર તૈયાર મીઠાઈ જ નહીં પરંતુ મોટા પાયે મીઠાઈ બનાવવાની કાચી સામગ્રી અને અન્ય શંકાસ્પદ રસાયણો પણ મળી આવ્યા છે. લોકોના જીવ સાથે રમત રમીને તગડો નફો કમાવાના ઇરાદે ચાલતા આ ગેરકાયદે એકમમાંથી પોલીસે કુલ રૂ. 39.67 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં આ જથ્થો તદ્દન બિનઆરોગ્યપ્રદ અને ગુણવત્તાહીન હોવાનું જણાઈ આવ્યું હતું, જે તહેવારોની મોસમમાં બજારમાં વેચાણ માટે મોકલવાની તૈયારીમાં હતો.આ ગંભીર ઘટનાની જાણ થતાં જ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. વિભાગના અધિકારીઓ દ્વારા જપ્ત કરાયેલા જથ્થામાંથી સઘન તપાસ અર્થે મીઠાઈ અને સામગ્રીના સેમ્પલ લેવામાં આવ્યા છે, જેને સત્તાવાર લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી દેવામાં આવ્યા છે. તંત્રની આ સમયસૂચકતાના કારણે હજારો નાગરિકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતી આ મીઠાઈઓ બજારમાં પહોંચતી અટકી છે, અને સંચાલકો સામે કાયદેસરની કડક કાર્યવાહીના ચક્રો ગતિમાન થયા છે.