કાર્યવાહી@વડોદરા: લેબર લાયસન્સ આપવા માટે રૂ.70 હજારની લાંચ લેતા બે શ્રમ અધિકારીઓ ઝડપાયા

 
કાર્યવાહી
અંબાલાલ ચૌહાણ દ્વારા રૂ.70,000ની લાંચની માગણી કરવામાં આવી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વડોદરામાં લેબર લાયસન્સ આપવા માટે રૂ.70 હજારની લાંચ લેતા નાયબ શ્રમ આયુક્તની કચેરીના બે અધિકારીઓ ઝડપાયા છે. વડોદરાના ભુતડીઝાંપા વિસ્તારમાં આવેલી શ્રમયોગી કલ્યાણ ભવન ખાતે આવેલી નાયબ શ્રમ આયુક્તની કચેરીમાં લેબર લાયસન્સ મેળવવા માટે અરજી કરવામાં આવી હતી. આ અરજીના અનુસંધાને લેબર લાયસન્સ આપવાની કાર્યવાહી કરવાના બદલામાં આસિસ્ટન્ટ લેબર કમિશનર વર્ગ-1 દિપક અંબાલાલ ચૌહાણ દ્વારા રૂ.70,000ની લાંચની માગણી કરવામાં આવી હતી. લાંચની રકમ અરજદાર આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદના આધારે સુરત એસીબી દ્વારા 14 ઓક્ટોબર, 2026ના રોજ લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન દિપક અંબાલાલ ચૌહાણના કહેવાથી મદદનીશ સરકારી શ્રમ અધિકારી વર્ગ-3 રણજીતસિંહ નટવરસિંહ જાદવએ રૂ.70,000ની લાંચની રકમ સ્વીકારી હતી. લાંચની રકમ સ્વીકારતાં જ એસીબીની ટીમે તેમને સ્થળ પર ઝડપી લીધા હતા. છટકા દરમિયાન લાંચ પેટે આપવામાં આવેલી રૂ.70,000ની સંપૂર્ણ રકમ પણ રિકવર કરવામાં આવી હતી. પૈસા મળી ગયા છે તેવી વાત રણજીતસિંહ દ્વારા દીપક ચૌહાણને કરતા તેમને પણ ઝડપી લેવામાં આવ્યા છે.