કાર્યવાહી@કડી: જીઆઈડીસીમાં વિદેશી દારૂના જથ્થાના કટીંગની પ્રવૃતીઓનો પર્દાફાશ, રૂપિયા 39.72 લાખની મત્તા કબજે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કડી જીઆઈડીસીમાં આવેલી ખોખા બનાવતી એક ફેકટરીમાં રાજસ્થાનથી મોટાપાયે લાવવામાં આવેલા વિદેશી દારૂના જથ્થાના કટીંગની પ્રવૃતીઓનો પર્દાફાશ સાયબર ક્રાઈમ પોલીસે કર્યો હતો. આ જગ્યાએથી દારૂની હેરાફેરી કરી રહેલા 9 આરોપીઓ પકડાઈ ગયા હતા. જયારે અહીંથી જુદાજુદા બ્રાન્ડની દારૂની 9756 બોટલ, બે વાહન, 10 મોબાઈલ, સફેદ પાવડર ભરેલી 250 બેગો, રોકડ સહિત કુલ રૂપિયા 39.72 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. દારૂને સગેવગે કરવાની પ્રવૃતીમાં સંડોવાયેલા વોન્ટેડ સુત્રધારો સહિત 12 શખ્સો સામે ગુનો દાખલ કરીને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
થર્ટી ફર્સ્ટ નજીક આવતાં જ મહેસાણા જિલ્લામાં બુટલેગરો સક્રિય થયા છે. રેન્જ સાયબર ક્રાઈમ પોલીસને બાતમી મળી હતી કે, છત્રાલથી કડી હાઈવે રોડ પરની જીઆઈડીસીમાં આવેલ વીકટોરીયા કેરા ટીચ નામની ટાઈલ્સના ખોખા બનાવતી ફેકટરીમાં કેટલાક શખસો ભેગા મળીને પરપ્રાંતમાંથી દારૂનો જથ્થો મંગાવી ગેરકાયદેસર રીતે ગાંધીનગર તેમજ અમદાવાદ જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં બુટલેગરોનો સંપર્ક કરીને નાના વાહનોમાં ભરી સગેવગે કરી રહ્યા છે. જેના આધારે સાયબર ક્રાઈમ પોલીસની ટીમે આ સ્થળે રેડ કરી હતી. જયાંથી મુળ ઉત્તરપ્રદેશનો અને હાલમાં કડીમાં રહેતો રાજા મનોજ ચૌધરી સહિત 9 શખસો દારૂનું કટીંગ કરતા ઝડપાઈ ગયા હતા. ત્યારબાદ પોલીસે આ ફેકટરીના પતરાના શેડમાં તપાસ કરતાં વિદેશી દારૂની 9756 બોટલો મળી આવી હતી.
ઝડપાયેલા આરોપીઓની પુછપરછમાં કબજે લેવાયેલ દારૂનો જથ્થો રાજસ્થાનથી સફેદ પાવડરની બેગો નીચે સંતાડીને ટ્રકમાં ભરીને કડી લાવવામાં આવી હોવાનું ખૂલ્યું હતું. પોલીસે અહીંથી ટ્રક, સ્કૂટર, 10 મોબાઈલ, રોકડ અને રૂપિયા 28.35 લાખના દારૂના જથ્થા સહિત કુલ રૂપિયા 39,72,824ની મત્તા કબજે કરીને નહીં ઝડપાયેલા સાથે કુલ 12 આરોપીઓ સામે પ્રોહીબીશનનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.